Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પોતાના એક દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ અમરેલી તેમજ અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
અમરેલીનો દૂધાળા-હેતની હવેલી વિસ્તાર 'નો ફ્લાય ઝોન' જાહેર
અમિત શાહ પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત અમરેલી જિલ્લાના લાઠી તાલુકાથી કરવાના છે. જ્યાં લાઠીના દૂધાળા-હેતની હવેલી વિસ્તારમાં તળાવનું લોકાર્પણ કરશે. ગૃહમંત્રીના કાર્યક્રમને પગલે દૂધાળા-હેતની હવેલી વિસ્તારને 'નો ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યો છે.
કોમનવેલ્થ ગેમ્સની તૈયારી સંદર્ભે સમીક્ષા બેઠક
અમરેલીના કાર્યક્રમ બાદ અમિત શાહ અમદાવાદ રવાના થશે. અમદાવાદમાં અમિત શાહ બપોરે સવા 2 વાગ્યાની આસપાસ ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ અંગે યોજાનારી સમીક્ષા બેઠકમાં ભાગ લેશે. અમિત શાહની આ બેઠકમાં આગામી આંતરરાષ્ટ્રીય રમતોત્સવો માટેની તૈયારીઓ, રમતગમતના માળખાકીય વિકાસ સહિતના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે.
ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની સમીક્ષા બેઠક બાદ પોણા ચાર વાગ્યાની આસપાસ ગુજરાત વિદ્યાપીઠમાં 71માં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવશે.
જે બાદ સાંજના સમયે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પોતાના ગાંધીનગર લોકસભા સંસદીય વિસ્તાર હેઠળ આવતા અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં લોકદરબાર યોજવાના છે. આ લોક દરબાર દરમિયાન અમિત શાહ સ્થાનિક નાગરિકો સાથે સંવાદ કરશે અને તેમના વિવિધ પ્રશ્નો તથા રજૂઆતો સાંભળશે.
આમ અમિત શાહ પોતાના એક દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અમરેલીના લાઠીમાં તળાવના લોકાર્પણથી માંડીને અમદાવાદમાં રમત-ગમત, શિક્ષણ અને જનસંપર્ક સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે.
