Ahmedabad: વેજલપુરમાં રામદેવ ચોળાફળીની દુકાનમાંથી સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળી, દુકાનદારે વાત ના સ્વીકારતા AMCમાં ફરિયાદ

એક મહિલા સમોસા લેવા ગયા હતા અને ઘરે આવીને જોયું તો સાથે આપેલી ચટણીમાં ગરોળી હતી. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 05 Sep 2025 11:25 AM (IST)Updated: Fri 05 Sep 2025 11:25 AM (IST)
lizard-found-in-samosa-chutney-at-ramdevs-cholaphali-shop-vejalpur-ahmedabad-597724
HIGHLIGHTS
  • એક મહિલા વેજલપુરના શ્રેયસ કોમ્પ્લેક્સ સામે આવેલી રામદેવ ચોળાફળીની દુકાને સમોસા લેવા ગયા હતા.
  • ઘરે જઈને તેમણે ચટણીની વાટકી ખોલી તો તેમને તેમાં કંઈક કોથમીર જેવું દેખાયું.

Lizard Found in Chutney Ahmedabad: અમદાવાદમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓમાં ભેળસેળ અને ગંદકીની ફરિયાદો અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે વેજલપુરની રામદેવ ચોળાફળી નામની દુકાનમાંથી સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળવાની ચોંકાવનારી ઘટના બની છે. એક મહિલા સમોસા લેવા ગયા હતા અને ઘરે આવીને જોયું તો સાથે આપેલી ચટણીમાં ગરોળી હતી. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કોથમીર જેવું લાગ્યું, પણ હકીકતમાં ગરોળી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, 4 સપ્ટેમ્બરના રોજ સાંજે એક મહિલા વેજલપુરના શ્રેયસ કોમ્પ્લેક્સ સામે આવેલી રામદેવ ચોળાફળીની દુકાને સમોસા લેવા ગયા હતા. સમોસાની સાથે તેમને ચટણી પણ આપવામાં આવી હતી. ઘરે જઈને તેમણે ચટણીની વાટકી ખોલી તો તેમને તેમાં કંઈક કોથમીર જેવું દેખાયું. જ્યારે તેને હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ગરોળી હોવાનું માલૂમ પડ્યું. આ જોઈને પરિવાર સ્તબ્ધ થઈ ગયો અને સમોસાની આખી ડીશ એમ જ મૂકી દીધી.

દુકાનદારે વાત ન સ્વીકારતા AMCમાં ફરિયાદ

આ ઘટના બાદ મહિલા અને તેમનો પરિવાર દુકાનદાર પાસે ગયા અને તેમને આ બાબતની જાણ કરી. પરંતુ, દુકાનદારે આ વાત સ્વીકારવાનો ઈનકાર કર્યો. દુકાનદારના આ વર્તનથી નારાજ થઈને પરિવારે AMCના ફૂડ વિભાગમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું. તેમણે કોર્પોરેશનના ફરિયાદ નંબર 155303 પર ફોન કરીને આ અંગે ફરિયાદ નોંધાવી છે. હવે ફૂડ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે.