Legal News: હોટલ થતા દેહવ્યાપર પર રેડ વખતે ગ્રાહક પર ગુનો નથી બનતો, ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે હોટલમાં રેડ વખતે પકડાયેલા ગ્રાહક સામેની FIR રદ કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 22 Sep 2026 09:54 AM (IST)Updated: Tue, 22 Sep 2026 09:54 AM (IST)
legal-news-no-offense-against-customer-during-prostitution-raid-gujarat-high-court-verdict
ગુજરાત હાઈકોર્ટ ફાઈલ ઈમેજ

Prostitution Client Case: વર્ષ 2010 ના એક કેસમાં ગુજરાત હાઈકોર્ટે અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમ (Immoral Traffic Prevention Act) અંતર્ગત એક મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, વેશ્યાલયમાં ગ્રાહક તરીકે હાજર હોવાના આધારે કોઈપણ વ્યક્તિ સામે દેહવ્યાપાર નિવારણ ધારા હેઠળ ગુનો નોંધી શકાય નહીં. જસ્ટિસ પી. એમ. રાવલે વર્ષ 2010માં કમલેશ બિશ્નોઈ નામના અરજદાર સામે નોંધાયેલી FIR રદબાતલ કરી દીધી છે.

વર્ષ 2010 નો કિસ્સો અને ક્વાશિંગ પિટિશન

આ કેસની વિગત મુજબ, વર્ષ 2010માં એક હોટેલમાં પોલીસ રેડ દરમિયાન કેટલાક ગ્રાહકો ઝડપાયા હતા. આ કેસમાં હોટેલ માલિક વિમલ મોદી અને આરોપી નીતિન ઉર્ફે સોનુ મહેતા સામે બહારના રાજ્યોમાંથી યુવતીઓને લાવીને વેશ્યાવૃત્તિ કરાવવાનો આરોપ હતો. કાર્યવાહી દરમિયાન અરજદાર ગ્રાહક સામે અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમની કલમ-3, 5, 7 અને 9 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. 

અરજદારની રજૂઆત અને હાઈકોર્ટનો ચુકાદો

અરજદારે હાઈકોર્ટ સમક્ષ ક્વોશિંગ પિટિશન દાખલ કરીને રજૂઆત કરી હતી કે ઘટનાસ્થળે માત્ર ગ્રાહક તરીકે હાજર હોવાથી તેની સામે કાર્યવાહી થઈ શકે નહીં. અરજદારની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ પી.એમ. રાવલે નોંધ્યું કે, અરજદાર દરોડા સમયે માત્ર ગ્રાહક તરીકે ઝડપાયો હતો અને તે વેશ્યાલયનો મેનેજર કે સંચાલક હોવાનો કોઈ પુરાવો નથી. હાઈકોર્ટે કાયદાની વિવિધ કલમો અંગે નીચે મુજબ સ્પષ્ટતા કરી હતી:

  • કલમ-3: આ જોગવાઈ વેશ્યાલય ચલાવનાર, રાખનાર કે સંચાલન કરનાર વ્યક્તિ સામે લાગુ પડે છે, તેથી માત્ર ગ્રાહક પર તે લાગુ પડતી નથી.
  • કલમ-5: આ કલમ દેહવ્યવસાય માટે યુવતીઓને લાવનાર, મેળવવાનો પ્રયાસ કરનાર કે દલાલ-એજન્ટ તરીકે ભૂમિકા ભજવનાર સામે લાગુ થાય છે.
  • કલમ-7: આ કલમ હેઠળ ગુનો સાબિત કરવા માટે જાહેર સ્થળ કે તેની નજીકમાં દેહવ્યાપાર થતો હોવાના પ્રાથમિક પુરાવા જરૂરી છે.

આ તમામ કાનૂની પાસાઓની સમીક્ષા કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટે અરજદાર ગ્રાહક સામેની FIR રદબાતલ ઠરાવી હતી.