Ahmedabad News: અમદાવાદના જાણીતાં કાંકરિયામાં કાર્નિવલની શરુઆત થવાનો છે. જેની તૈયારીના ભાગરુપે વિવિધ આકર્ષણો ઉભા કરવાની તંત્ર દ્વારા કામગીરી શરુ કરી દેવામાં આવી છે, તેની કડીના ભાગરુપે કાંકરિયા લેકફ્રન્ટ પાસે ગેટ નંબર 2 પાસેની ખુલ્લી જગ્યામાં PPP મોડેલ હેઠળ રંગબેરંગી 'કેન્ડી વર્લ્ડ'નું નિર્માણ કરવાની તૈયારી કરવામાં આવી છે. આ અનોખા પાર્કમાં રંગબેરંગી કેન્ડી, મેઘધનુષી લપસણી અને ચોકલેટનો મહેલ આવશે. જે બાળકોમાં ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બનશે.
કાર્નિવલ પહેલા કેન્ડી વર્લ્ડ તૈયાર કરાશે
આ પણ વાંચો
કાંકરિયા કાર્નિવલ પહેલા આ 'કેન્ડી વર્લ્ડ' બનીને તૈયાર કરી દેવાશે. જે લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે. આ સ્પેશિયલ પાર્કની વિશેષતાની વાત કરીએ તો, નાના બાળકોના આકર્ષિત કરવા માટે આ પાર્કમાં લોલીપોલ, ચોકલેટ અને આઈસ્ક્રીમના કાલ્પનિક આકારવાળા બાંધકામો, મનોરંજક રાઈ્ડસ ઉભી કરવામાં આવશે. જ્યાં બાળકોના સપનાની દુનિયા હકીકતમાં છે. તેવો અનુભવ મળશે.
કેન્ડી વર્લ્ડની ખાસ વિશેષતાઓ
આ પાર્કનું સૌથી મોટું આકર્ષણ ચોકલેટ મહેલ રહેશે. જ્યાં બાળકો પ્રવેશતાની સાથે જ પરીઓ અને કલ્પનાની દુનિયા જેવો અનોખો માહોલ મળશે. ઉપરાંત ભૂતિયા કેન્ડી હાઉસ, હવામાં ચાલવાનો અનુભવ કરાવતી કેન્ડી ક્રૂઝ, મીની ચકડોળ, બબલ ઝોન અને 28 મીટર લાંબી અને ઇન્દ્રધનુષી રંગોની લપસણી બનાવવામાં આવશે. ઉત્સાહી અને રમતપ્રેમી યુવાઓ માટે રંગબેરંગી નિયોન લાઈટ્સવાળી બે આધુનિક પિકલબોલ કોર્ટનું નિર્માણ કરાશે. ખાસ કરીને લોકો માટે સેલ્ફી પોઈન્ટ્સ, કેન્ડી થીમનું સુંદર પ્રવેશદ્વાર, જાહેર શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
પાર્કમાં લોકોને મળશે રોમાંચક અનુભવ
અનોખા કેન્ડી વર્લ્ડ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલના જણાવ્યા પ્રમાણે,
કાર્નિવલ પહેલા આ પાર્ક તૈયાર કરવામાં આવશે. આ પાર્કમાં લોકો જીવનમાં પહેલી વાર ચોકલેટ અને કેન્ડીની દુનિયામાં ફરશે. તેવો રોમાંચક અનુભવ કરી શકશે. લોકો સરળતાથી ફોટો અને સેલ્ફીઓ પણ ખેંચી શકશે, આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં લોકો આ પાર્કમાં જઈને ફોટોગ્રાફી કરી શકશે, તેમજ આનંદ માણી શકશે.
