Navratri 2026 Emergency Cases: નવરાત્રિ પર્વ દરમિયાન રાત્રિના સમયે વાહનોની અવરજવર વધતાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં માર્ગ અકસ્માતના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના આંકડા અનુસાર, નવરાત્રિના 9 દિવસમાં અમદાવાદમાં વાહન અકસ્માતોમાં 18.63 ટકા અને સમગ્ર ગુજરાતમા 11.16 ટકાનો ઉછાળો નોંધાયો છે. રાજ્યમાં વિવિધ મેડિકલ ઇમરજન્સીના કુલ 50.979 કેસ સામે આવ્યા છે. જેમાંથી એકલા અમદાવાદમાં જ 9,389 કેસો નોંધાયા છે.
હાર્ટ એટેકના કેસોમાં રાહત
જ્યારે હાર્ટ સંબંધિત રોગો અને શ્વાસના કેસોમાં નજીવો ઘટાડો થયો છે. જે રાહતજનક બાબત છે. રાજ્યમાં શ્વાસની તકલીફના દૈનિક 493 કેસ સામે 483 અને હૃદયરોગના દૈનિક 339 કેસની સરખામણીએ 328 કેસ નોંધાયા છે. પેટના દુખાવાના કેસોમાં 9 થી 10% નો ઘટાડો નોંધાયો છે. જોકે નવરાત્રિ પર્વમાં અકસ્માતોમાં મોટો વધારો જોવા મળ્યો છે.
અકસ્માત અને ઓવરસ્પીડિંગના કેસો
રાજ્યમાં દરરોજ માર્ગ અકસ્માતમાં સરેરાશ 20થી 22 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જેમાં મુખ્ય કારણ ઓવરસ્પીડિંગ હોવાનું સામે આવ્યું છે. નવરાત્રી પર્વે રાત્રિ દરમિયાન વાહનોનો ઉપડાવ વધવાથી અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદમાં સામાન્ય રીતે રોજના 102 અકસ્માતના કેસો સામે નવરાત્રિમમાં રોજના 121 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યની સ્થિતિની વાત કરીએ તો, રોજના 681 કેસ સામે નવરાત્રિ દરમિયાન રોજિંદા 757 અકસ્માતના કેસ સામે આવ્યા છે.
| ઈમરજન્સીનો પ્રકાર | કેસની સંખ્યા | ઈમરજન્સીનો પ્રકાર | કેસની સંખ્યા |
| વાહન અકસ્માત | 6817 | ભારે તાવ | 3104 |
| પેટમાં દુખાવો | 6314 | હૃદય રોગ | 2955 |
| મારામારી-ઈજા | 5842 | ડાયાબિટિક | 773 |
| શ્વાસની તકલીફ | 4348 | સ્ટ્રોક | 421 |
