Kajal Maheriya Marriage Controversy: ગુજરાતની સુપ્રસિદ્ધ લોકગાયિકા કાજલ મહેરિયાના લગ્નને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ખેંચતાણ હવે કાયદાકીય અને સામાજિક વિવાદમાં ફેરવાઈ ગઈ છે. કાજલ મહેરિયાના માતા શારદાબેને મીડિયા સમક્ષ આવીને પોતાની દીકરી વિરુદ્ધ મોટું કાવતરું ઘડાયું હોવાનો દાવો કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે શેરથાના જે યુવક સાથે લગ્નની વાતો વહેતી થઈ છે, તે માત્ર પૈસા પડાવવા માટેની એક ચાલ છે.
કાજલ મહેરિયાની માતાનું નિવેદન
શારદાબેન મહેરિયાએ જણાવ્યું હતું કે, જ્યારે તેમને દીકરી વિશે જાણ થઈ ત્યારે તેઓ પરિવારના સભ્યો અને સમાજના અગ્રણીઓ સાથે ગાંધીનગર પાસે આવેલા શેરથા ગામે પહોંચ્યા હતા. માતાનો આરોપ છે કે ત્યાં દીકરીની પૂછપરછ કરવા ગયેલા પરિવારને માન-સન્માન આપવાને બદલે અપમાનિત કરવામાં આવ્યા હતા. "અમે અમારી દીકરીને મળવા અને તેને પરત લાવવા ગયા હતા, પરંતુ ત્યાં હાજર લોકોએ અમારી સાથે ગેરવર્તણૂક કરી અને ઉશ્કેરણીજનક વર્તન કરીને અમને ત્યાંથી કાઢી મૂક્યા હતા."
આ ઘટનાને કારણે મહેરિયા પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માતાના મતે, જો લગ્ન કાયદેસર અને મરજીથી થયા હોત તો આ પ્રકારે સંતાડવાની કે પરિવારને કાઢી મૂકવાની જરૂર ન પડત.
200માં બક્ષીસ વીણવા આવતો હતો એ યુવક
વિવાદના કેન્દ્રમાં રહેલા યુવક વિશે શારદાબેને એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જે યુવક સાથે કાજલના લગ્નની વાતો કરવામાં આવી રહી છે, તે યુવક અગાઉ તેમના ઘરે પ્રસંગોમાં માત્ર 200 રૂપિયામાં બક્ષીસ (વેલ) વીણવા આવતો હતો. માતાએ ભાવુક થતા જણાવ્યું કે, "જે છોકરો મજૂરી કામ અને સામાન્ય બક્ષીસ માટે અમારા આંગણે આવતો હતો, તેની સાથે મારી દીકરી ક્યારેય પોતાની મરજીથી લગ્ન ન કરી શકે. આ સ્પષ્ટપણે કોઈ પ્રલોભન અથવા દબાણ હેઠળ કરવામાં આવેલું કૃત્ય છે."
પૈસા પડાવવાનું કાવતરું હોવાનો આક્ષેપ
શારદાબેને આ સમગ્ર વિવાદને 'હની ટ્રેપ' કે આર્થિક છેતરપિંડી સાથે સરખાવતા કહ્યું કે, સામેવાળો પક્ષ માત્ર કાજલની કમાણી અને તેની મિલકત પર નજર બગાડીને બેઠો છે. તેમના મતે, આ એક પૂર્વનિયોજિત કાવતરું છે જેમાં કાજલને ફસાવવામાં આવી છે. પરિવારનો દાવો છે કે યુવક અને તેનો પરિવાર કાજલની નામના અને પૈસાનો ઉપયોગ કરવા માંગે છે.
સમાજ અને 'અઢારે આલમ'ને ન્યાયની અપીલ
આ મામલો હવે વ્યક્તિગત મટીને સામાજિક બની રહ્યો છે. શારદાબેને દલિત સમાજ તેમજ સમાજના તમામ વર્ગો (અઢારે આલમ) ને વિનંતી કરી છે કે તેઓ આ વિવાદમાં મધ્યસ્થી કરે. તેમણે ન્યાયની માંગ કરતા કહ્યું છે કે સત્ય બહાર આવવું જોઈએ અને તેમની દીકરીને આ કાવતરામાંથી મુક્ત કરાવવી જોઈએ.
કાજલ મહેરિયાના લાખો ચાહકો અત્યારે આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર પણ આ મામલે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. એક તરફ લગ્નના ફોટા અને દસ્તાવેજોની વાતો વહેતી થઈ છે, તો બીજી તરફ માતાના આ ગંભીર આક્ષેપોએ પોલીસ અને પ્રશાસન માટે પણ તપાસનો વિષય ઊભો કર્યો છે. આગામી દિવસોમાં આ મામલે કાજલ મહેરિયા પોતે શું પ્રતિક્રિયા આપે છે, તેના પર સૌની નજર ટકેલી છે.
સમાજમાં અત્યારે એ વાતની ચર્ચા છે કે શું ખરેખર એક સફળ કલાકાર પોતાની મરજીથી આવો નિર્ણય લઈ શકે કે પછી તેની પાછળ ખરેખર કોઈ મોટું આર્થિક કાવતરું છે? સત્ય ગમે તે હોય, પણ હાલ તો મેહસાણાની આ ગાયિકાનો વિવાદ ગુજરાતના લોકજીવનમાં ગરમાવો લાવી દીધો છે.
