VIDEO: કાજલ મહેરિયાના લાઈવ પ્રોગ્રામમાં હુમલો, માથાભારે લોકોએ આતંક મચાવ્યો; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

આ સમગ્ર બનાવનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 10 May 2026 01:18 PM (IST)Updated: Sun, 10 May 2026 03:19 PM (IST)
kajal-maheriya-husband-attacked-dadhana-live-program-in-mandal-ahmedabad
HIGHLIGHTS
  • કાજલ મહેરિયાના પ્રોગ્રામમાં થયો હુમલો
  • પતિ પર જીવલેણ હુમલો થયાનો આરોપ
  • સમગ્ર બનાવનો વીડિયો વાયરલ થયો

Kajal Maheriya live program attacked: અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના ડઢાણા ગામે એક ચકચારી અને ગંભીર ઘટના સામે આવી છે. ગુજરાતની લોકપ્રિય ગાયિકા કાજલ મહેરિયાના પતિ પર એક લાઈવ પ્રોગ્રામ દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હિંસક ઘટનાને પગલે ચાલુ કાર્યક્રમમાં ભારે અફરા તફરી અને ભાગદોડ મચી ગઈ હતી.

લાઈવ પ્રોગ્રામમાં હુમલો, આતંકનો વીડિયો

મળતી માહિતી મુજબ, એક લગ્ન પ્રસંગ નિમિત્તે ગરબાનો લાઈવ કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે અચાનક જ કાજલ મહેરીયાના પતિ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે ભારે ચકચાર મચી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્ટેજ પર કાજલ મહેરિયાને જોઈ શકાય છે. આ ઉપરાંત ખુલ્લા ગ્રાઉન્ડ જેવા સ્થળ પર બે ગાડી આમને સામને અથડાવી હતી. વધુમાં, કેટલાક યુવકો લાકડા વડે ગાડીમાં તોડફોડ કરતા જોવા મળે છે. આ દરમિયાન કાજલ અને તેમના પતિ હાથ પકડીને બહાર નીકળતા જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

આ વીડિયો થોડા દિવસ પહેલાનો અને દેત્રોજના ડઢાણા ગામનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. Gujarati Jagran આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. હાલમાં, અગાઉના વિવાદોને જોતા આ હુમલા પાછળના કારણોને લઈને અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, આ સમગ્ર મામલે કાજલ મહેરિયાનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. વધુમાં, આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું. 

હુમલા પાછળ કૌટુંબિક વિવાદની આશંકા

આ હુમલો કૌટુંબિક વિવાદના કારણે થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ કાજલ મહેરિયાના અલ્પેશ ઠાકોર સાથેના પ્રેમ સંબંધ અને લગ્ન ભારે ચર્ચામાં આવ્યા હતા. પરિવાર અને સમાજની અસંમતિ હોવા છતાં કાજલે પોતાની મરજીથી લગ્ન કરી લીધા હતા.

એક તરફ કાજલ મહેરિયાના પરિવારે એવો આક્ષેપ કર્યો હતો કે, કાજલને ડરાવી-ધમકાવીને અથવા પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવામાં આવ્યા છે. જોકે, બાદમાં કાજલ મહેરિયાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને સ્પષ્ટ ખુલાસો કર્યો હતો કે તેણે પોતે સ્વેચ્છાએ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા છે.

અગાઉ પણ ધમકીઓ મળ્યાનો આરોપ

લોક ગાયિકા કાજલ મહેરિયા દ્વારા અગાઉ પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે પ્રેમ લગ્ન બાદ અલ્પેશ અને તેના સાસરી પક્ષના લોકોને સતત ધમકીઓ મળી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર ધમકી આપનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.