લંડન જવા નિકળેલા અમદાવાદના પરિવારને વિદેશમાં બંધક બનાવાયો, સભ્યનો લોહીથી લથબથ ફોટો મોકલી રૂ. 1 કરોડની માગણી કરાઈ

પરિવારને દિલ્હીથી શ્રીલંકા, ત્યાંથી દુબઈ અને ત્યારબાદ આફ્રિકાના ઈથોપિયા લઈ જવામાં આવ્યા હતા. દુબઈ પહોંચ્યા બાદ પરિવારનો સંપર્ક તૂટી ગયો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 10 May 2026 11:22 AM (IST)Updated: Sun, 10 May 2026 11:22 AM (IST)
ahmedabad-family-held-hostage-abroad-trying-to-reach-london-rs-1-crore-ransom-demanded

Ahmedabad News: અમદાવાદના ગોમતીપુર વિસ્તારનો એક પરિવાર લંડન જવાના સપના સાથે વિદેશ ગયો હતો, પરંતુ કોઈ આફ્રિકન દેશમાં તેમને બંધક બનાવી લેવામાં આવ્યા હોવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. એજન્ટો દ્વારા આ પરિવારનું અપહરણ કરીને રૂપિયા 1 કરોડથી વધુની ખંડણી માંગવામાં આવી છે. પરિવારને ડરાવવા માટે 17 વર્ષના બીમાર પુત્રની લોહીથી લથપથ તસવીર પણ મોકલવામાં આવી છે. બનાવ અંગે પરિવારજનો ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ ગંભીર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

લંડન જવા નીકળેલો પરિવાર સંપર્ક વિહોણો બન્યો હતો

ગોમતીપુરના આ પરિવારના ચાર સભ્યો ગત 20 એપ્રિલના રોજ વિદેશ જવા માટે નીકળ્યા હતા. પરિવારના અમદાવાદ સ્થિત સભ્ય દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યા અનુસાર, એજન્ટોએ એક વ્યક્તિ દીઠ 30 લાખ રૂપિયા લઈને લંડનમાં કામ કરવાની મંજૂરી (વર્ક પરમિટ) અપાવવાનો વાયદો કર્યો હતો. 22 એપ્રિલની દિલ્હીથી લંડનની સીધી વિમાન યાત્રાની ટિકિટ આપવામાં આવી હતી, જે બોગસ નીકળી હતી. ત્યારબાદ એજન્ટોએ રસ્તો બદલી નાખ્યો હતો અને પરિવારને દિલ્હીથી શ્રીલંકા, ત્યાંથી દુબઈ અને ત્યારબાદ આફ્રિકાના ઈથોપિયા લઈ જવામાં આવ્યા હતા. દુબઈ પહોંચ્યા બાદ પરિવારનો સંપર્ક તૂટી ગયો હતો.

બંધક કરાયેલા પુત્રની લોહીવાળી તસવીર મોકલી ખંડણી માગી

વિદેશમાં ફસાયેલા પરિવારને બંધક બનાવીને એજન્ટોએ બાબા ખાન નામના વ્યક્તિ મારફતે ફોન કરાવીને 1 કરોડ 20 લાખ રૂપિયાની ખંડણી માંગી છે. 17 વર્ષીય ભાઇની એક લોહીથી લથબથ તસવીર મોકલવામાં આવી છે. તેમજ માતાનો રડતો અને આજીજી કરતો અવાજ પણ સંભળાવવામાં આવ્યો હતો, જેમાં માતા કહી રહી છે કે દીકરાને બચાવવા માટે ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરીને ચૂકવી દે. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જે પ્રકારની વિગતો મળી રહી છે તે અનુસાર, અમદાવાદમાં રહેતા એક એજન્ટનું નામ સામે આવ્યા બાદ પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરેલા એજન્ટ થકી વલસાડમાં રહેતા એક એજન્ટનું નામ સામે આવતા પોલીસે તપાસનો દોર વલસાડ સુધી લંબાવ્યો છે અને તેને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત જે તસવીર સામે આવી છે તેની વાસ્તવિક્તા અંગે પણ તપાસ હાથ ધરાઇ રહી છે. પરિવારને હેમખેમ પરત લાવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.