Jigardan Gadhvi Sachi Navratri: ન્યૂ સાયન્સ સિટી વિસ્તારમાં આયોજીત જિગરદાન ગઢવીની સાચી નવરાત્રીમાં ભારે હોબાળો થયો હતો. સોમવારે બીજા નોરતે જિગરદાન ગઢવીનાગરબાને પોલીસની મંજૂરી મળી ન હોવાથી રાતે 12 વાગ્યા સુધી ગરબા શરૂ થઈ શક્યા નહોતા. ખેલૈયાઓને ગરબા સ્થળે પ્રવેશ ન અપાતાં ભારે હોબાળો મચ્યો હતો.
પોલીસની મંજૂરી ન મળતા ખૈલેયાઓને પ્રવેશ ન મળ્યો
આ પણ વાંચો
નોંધનીય છે કે, રવિવારે પહેલા નોરતે સાચી નવરાત્રીના આયોજક સહિત 15 આયોજકોએ ફાયર NOC અને પોલીસની મંજૂરી વગર જ ગરબા યોજી દીધા હતા. આથી તેમને ફાયર બ્રિગેડ તરફથી નોટિસ આપવામાં આવી હતી. જોકે, સોમવારે જરૂરી ધારાધોરણો પૂરા કરી દેવાતા તમામ 15 આયોજકોને ફાયર વિભાગે મંજૂરી આપી દીધી હતી. પરંતુ જિગરદાન ગઢવીના ગરબાને બીજા નોરતે મોડી રાત સુધી પોલીસની મંજૂરી મળી નહોતી.
AC ડોમમાં ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ માટે નોટિસ
જિગરદાન ગઢવીના ગરબા એસી ડોમમાં યોજાવાના હતા. જેથી ફાયર બ્રિગેડની ટીમે સુરક્ષા વ્યવસ્થા રૂપે 125 ફાયર એક્સટિંગ્વિશર મૂકવા સૂચના આપી હતી. પરંતુ આયોજકોએ માત્ર 35 એક્સટિંગ્વિશર જ મૂક્યા હતા. આ ઉપરાંત ગરબાના એન્ટ્રી ગેટ પાસે ડેકોરેશન થર્મોકોલનું કરવામાં આવ્યું હતું, જેના કારણે આગ લાગવાની અને ઝડપથી ફેલાવવાની સંભાવના હતી. આ કારણોસર આયોજકોને પહેલા દિવસે ગરબા યોજવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
જિગરદાન ગઢવી સહિત 15 આયોજકોએ પહેલા નોરતે મંજૂરી વિના ગરબા કર્યા હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીઓના ધ્યાન પર આવતા જ આ અંગે ગાંધીનગરમાં એક રિપોર્ટ મોકલી કાર્યવાહી માટે અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે સરકારે જિગરદાનના ગરબાના આયોજકો પાસેથી 5 લાખ સુધીનો દંડ વસૂલ કરવા માટે અભિપ્રાય આપ્યો હતો.
શહેરમાં ગરબા આયોજનના મુખ્ય આંકડા
આ વર્ષે અમદાવાદ શહેરમાં કુલ 106 જગ્યાએ મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાંથી 70 જગ્યાઓ પર નવેનવ દિવસ ગરબા યોજાવાના છે. રવિવાર રાત સુધીમાં 55 આયોજકોને જ્યારે બાકીના 15 આયોજકોને સોમવારે મંજૂરી મળી ગઈ હતી.
બીજી તરફ, ફાયર બ્રિગેડની મંજૂરી મેળવનાર અન્ય 37 આયોજકોમાંથી મોટા ભાગના આયોજકો એક-બે દિવસના અથવા તો શરદ પૂનમના દિવસે ગરબા યોજશે. જોકે, તંત્ર દ્વારા મંજૂરી આપવાની પ્રક્રિયામાં નવેનવ દિવસ ગરબા યોજનારા આયોજકોને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
