Dholaka News: કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક ઇન્દ્રવદન મોદી અને તેમના ધર્મપત્ની શીલાબેન મોદીની પુણ્ય સ્મૃતિમાં ધોળકા ખાતે નિર્મિત ઈન્દ્રશીલ સનાતન ધર્મ મંદિર ખાતે તારીખ 15 એપ્રિલના રોજ પુરીના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના પૂજારી દ્વારા સંકુલમાં સ્થાપિત શ્રી જગન્નાથ મંદિરની વિશેષ પૂજા અને આરતી કરી તેને વિધિવત રીતે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે પુરીથી લાવવામાં આવેલ શ્રી જગન્નાથ મંદિરની ધજા પણ મંદિર ઉપર ચઢાવવામાં આવી હતી.
આ પ્રસંગે જગન્નાથ મંદિરના પૂજારી દ્વારા મુખ્ય મંદિરમાં સ્થાપિત શ્રી રાધા પુરુષોત્તમ ભગવાનની વિશેષ આરતી કરવામાં આવી હતી. પૂજા અને આરતી બાદ મંદિર પરિસરમાં આવેલા ઇન્દ્રવદન મોદીના સમાધિ સ્મારક શાંતિવન ખાતે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધોળકા નગર અને આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ અને મહિલા મંડળ ઉપસ્થિત રહ્યાં હતાં. વર્ષ દરમિયાન દેશના પ્રસિદ્ધ મંદિરોના પૂજારીઓને નિમંત્રિત કરી સનાતન ધર્મ મંદિર પરિસરમાં સ્થાપિત મંદિરોની પૂજાનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈન્દ્રશીલ સનાતન ધર્મ મંદિર પરિસરમાં દેશભરના પ્રસિદ્ધ શિવ, શક્તિ અને વૈષ્ણવ સંપ્રદાયના 84 પ્રસિદ્ધ મંદિરો ની પ્રતીકૃતિઓ સ્થાપિત કરવામાં આવી છે. અને વર્ષ દરમિયાન આ મંદિરોના પૂજારીઓ અને મહંતોની પધરામણી કરાવી જે તે મંદિરોની પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજ દિન સુધીમાં શ્રી એકલિંગજી મંદિર ઉદયપુર, શ્રી મહાકાલેશ્વર મંદિર, ઉજ્જૈન, શ્રી ઓમકારેશ્વર મંદિર, શ્રી ભાલકા તીર્થ, સોમનાથ, શ્રી કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી, શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગ તથા શ્રી રણછોડરાય મંદિર, ડાકોરના પૂજારીઓ દ્વારા પૂજા સંપન્ન કરવામાં આવી છે. આ ક્રમ સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહેશે.
