અમદાવાદ.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) તેના અંતિમ પડાવ પર પહોંચી ચૂકી છે. હવેની બન્ને મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે, જેના કારણે અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચની ટિકિટ માટે માત્ર અમદાવાદના જ નહીં, પરંતુ ગુજરાત અને દેશા વિવિધ રાજ્યોમાંથી લોકો આવી રહ્યાં છે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ IPLની ફાઈનલ અમદાવાદમાં રમાવા જઈ રહી છે. જેના પગલે ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ અમદાવાદ પહોંચી શકે છે.
આજે પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર IPLની સેમિફાઈનલ અને ફાઈનલ મેચની ટિકિટો માટે લાંબી લાઈનો લાગી હતી. ઑનલાઈન ટિકિટો બુક કરાવનારા લોકો પણ મોટી સંખ્યામાં ફિઝિકલ ટિકિટ લેવા માટે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. જેના કારણે સ્ટેડિયમથી લઈને બ્રિજની નીચે સુધીની લાંબી લાઈનો લાગી હતી. જેના કારણે થોડા સમય માટે ટિકિટ વહેંચણી પણ બંધ કરવાની ફરજ પડી હતી.
હકીકતમાં ગઈકાલે બપોરે 12 વાગ્યાથી IPLની ફાઈનલ મેચની ટિકિટો PayTm અને વેબસાઈટ પર ઉપલબ્ધ થવા લાગી હતી. જો કે માત્ર 20 મિનિટમાં જ તમામ ઑનલાઈન ટિકિટો બુક થઈ ગઈ હતી.
ખાસ વાત એ છે કે, હવે બીજી ક્વૉલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમ ઘર આંગણે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. આ મેચમાં જે ટીમ વિજેતા થશે, તે આગામી 28મી મેના રોજ ચેન્નાઈ સુપરકિંગ્સ સામે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે.