Jain Diksha Samaroh in Ahmedabad: તેરાપંથ જૈન સંપ્રદાયની સ્થાપના આચાર્ય ભિક્ષુએ સંવત 1817માં કરી હતી. આ સંપ્રદાયમાં આચાર્ય પ્રધાન પદ્ધતિ છે, જેમાં એક જ આચાર્ય સમગ્ર સંઘના વડા હોય છે. આજ્ઞાપાલન, અનુશાસન અને એકાગ્રતા તેનું પ્રાણ છે. અત્યારે કોબા ચાતુર્માસમાં લગભગ 160 સાધુ-સાધ્વી આચાર્ય મહાશ્રમણજીની નિશ્રામાં છે અને આખા ભારતમાં લગભગ 800થી વધુ સાધુ-સાધ્વી સાધનારત છે. દીક્ષા સમારોહ બાદ આ તમામ 17 દીક્ષાર્થી 160 સાધુ-સાધ્વીજી સાથે વિહાર કરીને આરાધના કરાવશે.
17 મુમુક્ષુ દીક્ષા લેશે
પ્રેક્ષા વિશ્વભારતી કોબા તેરાપંથ જૈન સમાજ દ્વારા આચાર્ય મહાશ્રમણજી જૈનોને આરાધના કરાવે છે. ત્યારે 25 વર્ષ પછી પ્રથમ વખત એક સાથે 17 મુમુક્ષુના દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત આજે 3 સપ્ટેમ્બર 2025ના રોજ કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વભારતી ખાતે દીક્ષા સમારોહ યોજાશે. આજે સવારે 9 કલાકે કોબામાં 17 મુમુક્ષુને દીક્ષા અપાશે. દીક્ષા સમારોહ ટાણે અન્ય રાજ્યોમાંથી પણ આશરે 20,000 થી વધુ શ્રાવક-શ્રાવિકા હાજર રહેશે. 17 મુમુક્ષુમાંથી સૌ ઉચ્ચ શિક્ષણ ધરાવે છે. 17માંથી 5 MBA, 2 PhD, 3 MA-BA બાકીના મુમુક્ષુઓ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવે છે. તેરાપંથ જૈન સમાજમાં તમામ મહારાજ સાહેબ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે.