IMD Heat Warning: છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ઉનાળાનો મિજાજ આકરો બની રહ્યો છે. જેમ-જેમ દિવસ વીતતો જાય, તેમ-તેમ આકાશમાંથી અગન ગોળા વરસતા હોય તે રીતે ગરમીનું આક્રમણ તીવ્ર બની રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વીતેલા 24 કલાક દરમિયાન 43.3 ડિગ્રી સાથે અમરેલી ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ. જ્યારે આગામી બે દિવસ દરમિયાન ખાસ કરીને આંતરિયાળ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 થી 44 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. આ સિવાય દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35 થી 40 ડિગ્રી સુધી જઈ શકે છે.
જો અમદાવાદની વાત કરીએ તો, આવતીકાલે 26 એપ્રિલના રોજ શહેરમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. જ્યારે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે.જો કે બે દિવસ બાદ ફરીથી ધીમે-ધીમે મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા રહેવાની ચેતવણી આપી છે. જેના કારણે લોકોને અસહ્ય બફારાનો અનુભવ થશે. અત્યારે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના પાકિસ્તાની વિસ્તારો પર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્થિર થયું છે, જેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે.
