Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, આગામી 3 કલાક હળવા વરસાદી ઝાપટાની વકી

અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત લોકોને વરસાદી માહોલથી ગરમીમાં રાહત મળશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 30 May 2026 07:55 PM (IST)Updated: Sat, 30 May 2026 08:00 PM (IST)
imd-gujarat-weather-update-rain-yellow-alert-for-next-3-hours-in-6-district
HIGHLIGHTS
  • 3 કલાક દરમિયાન 40 કિમીથી ઓછી ગતિએ પવન ફૂંકાશે

Gujarat Weather News: અત્યારે ઉનાળાના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ગરમીમાં ઘટાડો થવાની સાથે આગામી 4 જૂન સુધી અલગ-અલગ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં હવામાન વિભાગના લેટેસ્ટ નાઉકાસ્ટમાં આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે તેમ જણાવાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આવનારા 3 કલાક દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા અને પાટણ સહિત 6 જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાને પગલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

જો કે આ વરસાદ ધોધમાર નહીં હોય, પરંતુ ગાજવીજ સાથે 5 મિમીથી ઓછો વરસાદ પડશે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકથી ઓછી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભેજવાળા પવનના કારણે અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. એવામાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને રાહત મળશે, તે નક્કી છે.

અરબી સમુદ્રમાં ચોમાસાએ ગતિ પકડતાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે

હવામાન વિભાગ મુજબ, અત્યારે ચોમાસું અરબી સમુદ્રમાં પહોંચી ચૂક્યું છે. ચોમાસાને આગળ વધવા માટે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાનુકુળ સ્થિતિ સર્જાઈ ચૂકી છે. હાલ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને ત્યાંથી પશ્ચિમ રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને કચ્છ થઈને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી લંબાતા ટ્રફના કારણે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને વરસાદી માહોલ જામશે.