IAACON 2026 In Ahmedabad:AI અને રોબોટિક્સ જેવી આધુનિક ટેક્નોલોજી સાંધા બદલવાની સર્જરીને વધુ ચોકસાઈપૂર્વક કરવામાં અને દર્દીઓની સારવારનાં પરિણામો સુધારવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે? આ વિષયને કેન્દ્રમાં રાખીને ઇન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશન (AIA)ની 22મી વાર્ષિક કોન્ફરન્સ આઇએએકૉન 2026નું આયોજન અમદાવાદમાં કરવામાં આવશે. એપિક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે જાહેર કરવામાં આવેલી આ કોન્ફરન્સ 23થી 25 ઓક્ટોબર દરમિયાન યોજાશે. તેમાં એક હજારથી વધુ નોંધાયેલા પ્રતિનિધિઓ અને ભારત સહિત વિવિધ દેશોના 180 નિષ્ણાતો ભાગ લેશે. આ વર્ષની કોન્ફરન્સની થીમ 'ઇવોલ્વિંગ આર્થ્રોપ્લાસ્ટી: રોબોટિક્સ, કાઇનેમેટિક્સ એન્ડ ઇનોવેશન' રાખવામાં આવી છે.
કોન્ફરન્સમાં AI આધારિત સર્જિકલ ઉપકરણો, રોબોટિક્સ અને થ્રી-ડી કેમેરાની મદદથી કરવામાં આવતી સર્જરી જેવી આધુનિક ટેક્નોલોજી પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
આ પણ વાંચો
આ અંગે આયોજન સમિતિના અધ્યક્ષ ડૉ.એચપી ભાલોડિયાએ જણાવ્યું હતું કે IAACON 2026 ઇન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશન માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. દેશના અગ્રણી નિષ્ણાતોને એક મંચ પર લાવી ભારતમાં આર્થ્રોપ્લાસ્ટી સારવારના ધોરણોને વધુ ઉન્નત બનાવવાનો અમારો પ્રયાસ છે. આધુનિક તબીબી જ્ઞાનની સાથે શૈક્ષણિક ચર્ચા અને સર્જિકલ અનુભવોનું અર્થપૂર્ણ આદાનપ્રદાન થાય તે માટે આ કોન્ફરન્સ એક મહત્વપૂર્ણ મંચ બની રહેશે.
આયોજન સચિવ ડૉ.ધીરજ મારોઠી જૈને જણાવ્યું હતું કે IAACON 2026નું આયોજન એક વ્યાપક શૈક્ષણિક મંચ તરીકે કરવામાં આવ્યું છે, જેમાં પ્રાયોગિક શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. એસોસિએશનના ઇતિહાસમાં પ્રથમ વખત મોટા પાયે યોજાનારી કેડેવરિક વર્કશોપ સર્જનોને પ્રત્યક્ષ તાલીમ મેળવવાની મહત્વપૂર્ણ તક પૂરી પાડશે.
કોન્ફરન્સના વૈજ્ઞાનિક કાર્યક્રમમાં કુલ 25 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સર્જરીની આધુનિક પદ્ધતિઓની સાથે સારવાર દરમિયાન સર્જાતા જટિલ પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. દરેક સત્રના અંતે વરિષ્ઠ તબીબો પોતાના અનુભવોના આધારે મહત્વપૂર્ણ સૂચનો આપશે અને વિદ્યાર્થીઓ તથા અન્ય નિષ્ણાતોને પ્રશ્નો પૂછવાની તક મળશે.
કોન્ફરન્સનું એક મુખ્ય આકર્ષણ ઇન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશનના ઇતિહાસમાં પ્રથમ વખત મોટા પાયે યોજાનારી કેડેવરિક વર્કશોપ રહેશે. મુખ્ય કોન્ફરન્સના એક દિવસ પહેલાં, 22 ઓક્ટોબરના રોજ અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે આ વર્કશોપ યોજાશે. તેમાં 12 કેડેવરિક સ્પેસિમેન્સનો ઉપયોગ કરીને ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચ હિપ રિપ્લેસમેન્ટ, યુનિકોન્ડાઇલર ની આર્થ્રોપ્લાસ્ટી, ટોટલ ની આર્થ્રોપ્લાસ્ટી અને રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટી જેવી સર્જિકલ પદ્ધતિઓનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવશે
