એસ.કે.સિંહ, નવી દિલ્હી.
ગુજરાત ભારતનું એક એવું રાજ્ય, જે ઓછી જમીન અને ઓછી વસ્તી હોવા છતાં દેશની GDPમાં સિંહફાળો આપે છે. ગુજરાતનું ક્ષેત્રફળ ભારતના માત્ર 6 ટકા છે અને અહીં દેશની લગભગ 5 ટકા વસ્તી જ રહે છે. આમ છતાં દેશની GDPમાં તેનું યોગદાન 9.2 ટકા છે.
આ રાજ્ય પેટ્રોકેમિકલ, ડાયમંડ પ્રોસેસિંગ અને ડેનિમ ઉત્પાદન જેવા સેક્ટરમાં દેશમાં અવલ્લ હોવાની સાથે વિશ્વમાં પણ ઓળખ ધરાવે છે. ગ્રોસ સ્ટેટ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (GSDP)ની દ્રષ્ટિએ ભલે ગુજરાત મહારાષ્ટ્ર અને તમિલનાડુની પછી આવતું હોય, પરંતુ મેન્યુફેક્ચરિંગમાં તે મોખરાનું સ્થાન ધરાવે છે.
આ વાતનો અંદાજો એ વાતથી જ આવી જશે કે, ગુજરાતની GSDPમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો લગભગ 40 ટકા છે, જ્યારે ભારતનો સરેરાશ માત્ર 27 ટકા જ છે.

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી વિભાગના રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે ગત દિવસોમાં કહ્યું હતું કે, ગુજરાતમાં કેમિકલ, રિન્યૂએબલ એનર્જી અને ઈન્ડસ્ટ્રી 4.0 જેવા સેક્ટરમાં કામ થઈ રહ્યું છે, એવું ક્યાંય નથી થઈ રહ્યું. સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ વિકસિત કરવામાં ગુજરાત સતત 3 વર્ષથી પ્રથમ ક્રમે છે. FDI, નિકાસ, સિલ્ક ઉત્પાદન, દૂધ ઉત્પાદન સહિત અનેક બાબતોમાં ગુજરાત ટોચના રાજ્યોમાં સામેલ છે. આથી જો ગુજરાતને 'ભારતનું ગ્રોથ એન્જિન' ગણવામાં આવે, તો ખોટું નહીં હોય.
એક સમયે મહારાષ્ટ્ર મેન્યુફેક્ચરિંગમાં સૌથી મોખરે હતું, પરંતુ રિઝર્વ બેંકના નવેમ્બર-2021ના આંકડા અનુસાર, ગુજરાતે 2017-18માં તેને પાછળ છોડી દીધુ. 2019-20માં ગુજરાતની ગ્રોસ વેલ્યૂ એડેડ (GVA)માં મેન્યુફેક્ચરિંગ 5.1 લાખ કરોડ રૂપિયાનું હતુ, જ્યારે મહારાષ્ટ્રનું મેન્યુફેક્ચરિંગ GVA 4.3 લાખ કરોડ રૂપિયા હતુ. રાજ્યમાં 800થી વધુ ઈન્ડસ્ટ્રિયલ યુનિટ છે. આ ઉપરાંત 4 લાખ MSME છે.
એવું પણ નથી કે, મેન્યુફેક્ચરિંગ કોઈ એક ચોક્કસ સેક્ટરમાં જ થતું હોય. રાજ્યમાં પેટ્રોકેમિકલ સેક્ટરનો વિકાસ એટલો થયો છે કે, ગુજરાતની ભારતના પેટ્રોલિયમની રાજધાની તરીકે ગણના થવા લાગી છે.
ઈન્ડિયા બ્રાન્ડ ઈક્વિટી ફાઉન્ડેશન અનુસાર, અહીં 3300થી વધુ ફાર્મા મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. દેશના કુલ ફાર્મા ટર્નઑવરમાં ગુજરાતનો ફાળો 30-35 ટકા છે. 2018-19માં દેશની જે ફાર્મા નિકાસ હતી, તેમાં 28 ટકા તો ગુજરાતમાંથી જ થઈ હતી.

ગુજરાત ડાયમંડ પ્રોસેસિંગનું વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે. વિશ્વના લગભગ 72 ટકા ડાયમંડનું પ્રોસેસિંગ અહીં જ થાય છે. ભારતથી ડાયમંડની 80 ટકા નિકાસ ગુજરાતમાંથી જ થાય છે. આ ભારતનું સૌથી મોટું ડેનિમ ઉત્પાદક રાજ્ય પણ છે. આ મામલે તે વિશ્વમાં ત્રીજું સ્થાન ધરાવે છે. ભારતના કુલ ડેનિમ ઉત્પાદનમાં 65 થી 70 ટકા યોગદાન ગુજરાતનું જ છે. અહીંની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીનો અંદાજો એ વાતથી જ લગાવી શકાય છે કે, રાજ્યના કુલ ઔદ્યોગિક ઉપ્તાદનના 6 ટકા આ ઈન્ડસ્ટ્રીમાંથી જ આવે છે. ટેક્સટાઈલ નિકાસમાં ગુજરાતનો 12 ટકા ફાળો છે. ગુજરાત કપાસનું પણ સૌથી મોટું (35%) ઉપ્તાદક રાજ્ય છે.
ગ્રોથના કારણો
ગુજરાતની GSDP વીતેલા 10 વર્ષોમાં લગભગ 4 ગણી થઈ ગઈ છે. ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ પેટ્રોલિયમ મેનેજમેન્ટના ડીન ડૉ. પ્રમોદ પાલીવાલ તેના અનેક કારણો ગણાવે છે. જેમાં પ્રથમ કારણ તો લૉકેશનનો એડવાન્ટેજ છે. ગુજરાત પાસે દેશના અન્ય રાજ્યો કરતાં સૌથી લાંબો (લગભગ 1600 કિમી) દરિયા કિનારો છે. જેના કારણે સદીઓથી ગુજરાત પાસે પોર્ટ પણ રહ્યાં છે.
આ ઉપરાંત ભૌગોલિક સ્થિતિ પણ ગુજરાતને મજબૂતી આપી રહી છે. ગુજરાતમાં શરૂઆતથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે. મુંબઈ સાથે કનેક્ટિવિટીનો પણ તેને ફાયદો મળ્યો છે. કેટલાક અપવાદોને બાદ કરીએ તો, 1990 બાદ અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ એકંદરે સારી રહી છે.
ગુજરાતીઓના ઉદ્યોગ સાહસિક્તાના ગુણથી તો સમગ્ર વિશ્વ વાકેફ જ છે. જેનું ઉદાહરણ આપતાં પાલીવાલ કહે છે કે, 2004-05માં જ્યારે વર્લ્ડ બેંકે ગુજરાતના પાવર સેક્ટરના રિસ્ટ્રક્ચરિંગની વાત કરી, ત્યારે તે નુક્સાન કરી રહ્યું હતુ. તે સમયે ટ્રાન્સમિશન, જનરેશન અને ડિસ્ટ્રીબ્યૂશનને અલગ કરવામાં આવ્યા અને જવાબદારી નક્કી કરવામાં આવી.
જ્યોતિ ગ્રામ યોજનામાં ખેડૂતોને ચોક્કસ સમય પર વીજળીનો પૂરવઠો પૂરો પાડવામાં આવવા લાગ્યો. રાજ્ય સરકારે નક્કી કર્યું કે, વીજળી ફ્રી નહીં મળે. લોકો પણ તૈયાર હતા. જો વીજળીની અનિશ્ચિતતા દૂર થતી હોય, તો અમે પૈસા આપવા પણ તૈયાર છીએ. આ ભાવના આંત્રપ્રેન્યોરશિપ થકી જ આવે છે.

આંત્રપ્રેન્યોરશિપ પ્રકૃતિ અંગે જાણીતા અર્થશાસ્ત્રી નયન પારીખે જણાવ્યું કે, ગુજરાતી સમગ્ર વિશ્વને પોતાનું જ માને છે. વર્ષો પહેલા તેઓ આફ્રિકા સુધી વેપાર કરતાં હતા. ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં ફરવા જાય છે. જો બહાર કંઈક સારું લાગે, તો તેઓ ત્યાં રોકાઈને વેપાર કરવા માટે પણ તૈયાર રહે છે. આ ગુજરાતીઓના DNAમાં જ છે. તેઓ ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને પોતાનું ઘર સમજે છે.
પાલીવાલ તેના ફાયદા ગણાવતા કહે છે કે, ગુજરાતનો ગ્લોબલ ડાયસ્પોરા સમગ્ર સોસાયટીને ગ્લોબલ આઉટલુક આપે છે. આનાથી પૈસા તો આવે જ છે, સાથે નૉલેજ પણ આવે છે. સોસાયટી એક નવો બેંચમાર્ક સ્થાપિત કરે છે. અહીં અનેક ગામો એવા છે, જ્યાં મોટાભાગના લોકો NRI છે. તેઓ વિદેશથી સારી પ્રેક્ટિસ લઈને આવે છે. આ પ્રેક્ટિસ આગળ જઈને નવો બિઝનેસ ઉભો કરવામાં યુવાઓ સુધી પહોંચે છે. આમ ગુજરાત ગ્લોબલાઈજેશનનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે.
પારીખનું કહેવું છે કે, ઉદારીકરણ અને વૈશ્વિકરણને ગુજરાતે બખૂબી અપનાવ્યું છે. જો કોઈ વિદેશમાં કામ કરીને આવે છે, તો તેનો વ્યવહાર મહદઅંશે બદલાઈ જાય છે, જેની ડેમોંસ્ટ્રેટિવ ઈફેક્ટ હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, જ્યારે હું વિદેશથી આવું છું, તો ગાડી ચલાવતા સમયે હોર્ન ઓછો વગાડું છું અને લેનમાં ચાલું છું. આ પ્રકારે નવું કલ્ચર ડેવલોપ થાય છે.
આંત્રપ્રેન્યોરશિપની ભાવનાના કારણે જ રાજ્યમાં ઉદ્યોગોનો વિકાસ થયો છે. અહીં અનેક ક્લસ્ટર વિકસિત થઈ છે. મોરબીમાં સિરામિક ક્લસ્ટર, દહેજ અને વાપીમાં કેમિકલ ક્લસ્ટર, સુરત અને અમદાવાદમાં ટેક્સટાઈલ ક્લસ્ટર, રાજકોટમાં મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર છે. જ્યાં વિશ્વસ્તરનું મેન્યુફેક્ચરિંગ થાય છે.
બિઝનેસને પ્રોત્સાહન આપતી નીતિઓ
પારીખ જણાવે છે કે, ગુજરાતનું વાતાવરણ કાયમ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાનું રહ્યું છે. અહીં બિઝનેસ કરનારા લોકોને સમ્માનની નજરથી જોવામાં આવે છે. જો કોઈ બિઝનેસ કરવો હોય, તો લોકો તેની મદદ કરવા માટે કાયમ તૈયાર રહે છે. રાજ્ય સરકારની નીતિઓ પણ બિઝનેસને પ્રોત્સાહિત કરવાવાળી રહી છે. કોઈની પાસે બિઝનેસનો આઈડિયા છે, તો પૈસાની કમીના કારણે તેના આઈડિયાનો અંત ના આવે, તેનું ધ્યાનમાં રાખવામાં આવે છે.
બિઝનેસને પ્રોત્સાહન આપવાવાળી સરકારી નીતિઓની ચર્ચા કરતાં પાલીવાલે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર જે પૉલિસી બનાવે છે, તેને જ રાજ્ય પોતાની રીતે લાગૂ કરે છે. જો આપે ખૂબ જ સારી સ્ટ્રેટેજી બનાવી લીધી, પરંતુ તેને લાગુ ના કરી શક્યા, તો તે બેકાર થઈ જશે. જો આપ સરેરાશ સ્ટ્રેટેજી બનાવો છો અને તેને યોગ્ય રીતે લાગુ કરો છો, તો તે વધારે અસરકારક નીવડે છે.
ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, જેણે વિદેશી રોકાણને આકર્ષવા માટે પગલા ભર્યા હોય. જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે 2003માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ થયું હતુ. પાલીવાલ કહે છે કે, પ્રથમ વખત કોઈ રાજ્ય ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે પોતાનું બ્રાન્ડિંગ કરી રહ્યું હતુ. જેના ફાયદા જોઈને અન્ય રાજ્યોએ પણ આવા સમિટ શરૂ કર્યા. પારીખના મતે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટથી વિદેશથી પણ લોકો આવવા લાગ્યા અને ગુજરાતને ઓળખવા લાગ્યા.
રાજ્યની અનેક અન્ય નીતિઓએ પણ ઉદ્યોગને વેગ આપ્યો. સરકારે સ્પેશિયલ ઈકોનૉમિક ઝોનને લઈને અલગ પૉલિસી બનાવી છે. જેમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, ખેતી માટે ફળદ્રુપ જમીનનો ઉપયોગ ના થાય. ગિફ્ટ સિટી હોય, ધોલેરા કે દહેજ હોય, ક્યાંય પણ ખેતી લાયક જમીનનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. આથી અન્ય રાજ્યની સરખામણીમાં અહીં જમીન સંપાદનને લઈને કોઈ ખાસ સમસ્યા નથી સર્જાઈ. ગુજરાત એવા કેટલાક રાજ્યો પૈકી એક છે, જેણે ડિજિટાઇઝેશનનું મહત્વ સમજ્યું હોય. ડિજિટાઇઝેશન અને ઈ-ગવર્ન્સને પૉલિસી તરીકે અપનાવવામાં આવી. જેનાથી પારદર્શિતા આવી. જેમાં IIM અમદાવાદ અને આંત્રપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટ ઈન્સ્ટીટ્યૂટ (EDI) જેવી સંસ્થાઓનું સમર્થન પણ મળ્યુ.
અર્થશાસ્ત્રી ડૉ. પ્રદીપ પ્રજાપતિના જણાવ્યા મુજબ, કોરોના કાળમાં નાના-નાના વેપારીઓને ખૂબ જ નુક્સાન થયું હતુ. તેમને ફરીથી પોતાનો ધંધો ઉભો કરવામાં સરકારે પણ ઘણી જ મદદ કરી હતી. સરકાર એગ્રો બેસ્ડ ઈન્ડસ્ટ્રીઝને ઘણું જ પ્રોત્સાહન આપી કરી છે, જેના કારણે ગામડાઓમાં પણ ઈન્ડસ્ટ્રી ઉભી થવા લાગી છે.
અન્ય રાજ્યો સાથે સરખામણી નહીં
પારીખના જણાવ્યા મુજબ, ઈન્ડસ્ટ્રીમાં નવી પ્રેક્ટિસ અપનાવવામાં ગુજરાત કાયમ અગ્રેસર રહ્યું છે. તેઓ કહે છે કે, અનેક વખત આપણે અન્ય રાજ્યો સાથે આપણી સરખામણી નથી કરતા. આગળ વધવા માટે તમારે કાયમ તમારી તુલના તમારાથી શ્રેષ્ઠ સાથે કરવી પડે છે. આથી અમે સિંગાપુર કે અન્ય કોઈ જગ્યા સાથે સરખામણી કરીએ છીએ અને જોઈએ છીએ કે, ત્યાંની સારી બાબતને અમે અપનાવી શકીએ છીએ કે કેમ? જે વ્યવસ્થા સિલીકોન વેલીમાં છે, તેવી વ્યવસ્થા આપણે અહીં સ્ટાર્ટઅપ માટે બનાવી શકીએ છીએ કે કેમ?
વધુમાં તેઓ જણાવે છે કે, અમે વિશ્વમાં સૌથી વધુ ડાયમંડ પ્રોસેસિંગ તો કરીએ જ છીએ. હવે અમે જોઈ રહ્યાં છીએ કે, એન્ટવર્પમાં જે મોટા ડાયમંડ પ્રોસેસિંગ થાય છે, તેને ભારતમાં કેવી રીતે લાવવામાં આવે, અથવા અમે ડાયમંડની જ્વેલરી બનાવીને વેલ્યૂ એડિશન કેવી રીતે કરીએ? ટેક્સટાઈલમાં અમે એવું કશું કરી રહ્યાં છીએ, જેથી અમારા ગારમેન્ટની સરેરાશ કિંમત વધે.
કો-ઑપરેટિવ આંદોલન અને રાજનીતિક સ્થિરતા
આંત્રપ્રેન્યોરશિપ અને સરકારી નીતિઓ ઉપરાંત અનેક એવી વાતો છે, જેણે ગુજરાતને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જેમ કે કો-ઑપરેટિવ સિસ્ટમ ગુજરાતમાં ખૂબ જ મજબૂત રહી છે. પારીખના જણાવ્યા અનુસાર, કેટલાક એવા સેક્ટર પણ છે, જેને કોઈ રાજનીતિક પાર્ટી સ્પર્શવા નથી ઈચ્છતી, પરંતુ તેને મજબૂત જ કરે છે. કૉ-ઓપરેટિવ સેક્ટર પણ આમાનું એક છે. દરેક સરકારનો દ્રષ્ટિકોણ કો-ઓપરેટિવ આંદોલનને લઈને સકારાત્મક રહ્યો છે. આથી આ સેક્ટર દર વર્ષે મજબૂત થતો ગયો.
ગુજરાતમાં કેટલાક વિઝનરી થયા, જેમણે મોટા ઈન્સ્ટીટ્યૂટની સ્થાપના કરી. રાજ્યના વિકાસમાં આવી સંસ્થાઓની મોટી ભૂમિકા રહી છે. IIM અમદાવાદ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, NIFT, પંડિત દિન દયાલ એનર્જી યુનિવર્સિટી, ઈન્સ્ટીટ્યૂટ ઑફ પ્લાઝમાં રિસર્ચ જેવી અનેક સંસ્થા ગુજરાતમાં સ્થપાઈ છે. કેટલીક સંસ્થાઓ 50 અને 60ના દાયકામાં સ્થપાઈ ગઈ, તો કેટલીકની સ્થાપના 70ના દાયકામાં થઈ હતી.
પાલીવાલે જણાવ્યું કે, સારી વાત એ રહી છે કે, આ પરંપરા ક્યારેય બંધ નથી થઈ. દેશની પ્રથમ રક્ષા શક્તિ યુનિવર્સિટી ગુજરાતમાં આવી. પ્રથમ ફૉરેન્સિક યુનિવર્સિટી પણ અહીં જ સ્થપાઈ છે.
રાજનીતિક સ્થિરતાની પણ ખૂબ જ મહત્વની ભૂમિકા રહી છે. જેનાથી વિદેશી મૂડી આકર્ષિત કરવામાં મદદ મળી. રાજનીતિક ઈચ્છાશક્તિ પણ એક કારણ છે. જો કોઈ સુધારો લાગુ કરવો છે, તો તેને સરકારોએ લાગૂ કરીને દેખાડ્યો. સામાજિક સ્તરે પણ જોઈએ તો, ભલે લોકો વચ્ચે જાતિવાદ જેવી સમસ્યા હોય, પરંતુ તેની બિઝનેસના વાતાવરણ પણ અસર નથી થઈ.
ડૉ. પ્રજાપતિ પાકિસ્તાનના અર્થશાસ્ત્રી મહબૂબ ઉલ હક્કનો ઉલ્લેખ કરતાં કહે છે કે, આર્થિક વિકાસનો અર્થ ગ્રોથ સાથે ગરીબી, અસમાનતા અને બેરોજગારીમાં કમી પણ છે. ગુજરાતમાં આ ત્રણેય બાબતો જોવા મળે છે. અહીં ભણેલા-ગણેલા લોકોમાં બેરોજગારી ઓછી છે. કોર્પોરેશનની હદ વધારી દેવાથી એવા વિસ્તારોમાં પણ વિકાસ થયો. આંતરિયાળ વિસ્તારોમાં પણ તમને ઈન્ડસ્ટ્રીઝ જોવા મળશે. જેનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે રોજગાર વધે છે, જેની અસર વિકાસ પર પણ થાય છે.
ભારતના પેટ્રો કેમિકલનું કેપિટલ
ગુજરાત દેશની પેટ્રો કેમિકલ રાજધાની કેવી રીતે બન્યું? આ પ્રશ્નનો જવાબ આપતા પાલીવાલે જણાવ્યું કે, રાજ્યને એક તો લાંબો દરિયા કાંઠો અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ફાયદો મળ્યો. રાજ્યમાં એક્સ્પ્લોરેશન અને પ્રોડક્શનથી લઈને રિફાઈનરી અને ડિસ્ટ્રીબ્યૂશન સુધી પૂરી વેલ્યૂ ચેન હાજર છે.
રાજ્યમાં ગેસનો ઉપયોગ જે પ્રકારે વધ્યો, તે બીજા માટે શીખ હોઈ શકે છે. પાલીવાલના જણાવ્યા મુજબ, ભૂરેલાલ કમિટીએ દિલ્હી અને મુંબઈમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ગેસનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પર તેને લાગૂ કરવામાં આવી. ગુજરાત માટે એવો કોઈ આદેશ નથી, પરંતુ રાજ્યએ પોતાના તરફથી આ માટે પગલા ભર્યાં છે.
ગુજરાત ગેસ કંપની લિમિટેડે સુરતથી તેની શરૂઆત કરી હતી. આ પ્રકારે વડોદરા મ્યૂનિસિપલ કોર્પોરેશને પણ પાઈપ્ડ નેચરલ ગેસના ડિસ્ટ્રીબ્યૂશનની વ્યવસ્થા કરી. 2002-03ની આસપાસ ગુજરાત સરકારે ગેસનો ઉપયોગ વધારવાનો નિર્ણય કર્યો અને નવી કંપની બનાવી.
અર્થશાત્રમાં એક વાત કહેવામાં આવે છે કે, ઘણી વખત સપ્લાયથી ડિમાન્ડ વધે છે. ગેસના મામલે ગુજરાતમાં પણ આવું જ થયું છે. આથી ગેસને આયાત પણ કરવામાં આવ્યો. પેટ્રોલિયમ સેક્ટરમાં સરકારે શરૂઆતથી જ બિઝનેસ ઓરિએન્ટેડ વલણ અપનાવ્યું છે.
આજે ગુજરાતમાં સૌથી વધુ સીએનજી સ્ટેશન છે, પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ડિસ્ટ્રીબ્યૂશન માટે રૂટ કિલોમીટર પાઈપલાઈન પણ ગુજરાતમાં સૌથી વધારે છે. પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીમાં જોખમ હોય છે, પરંતુ ગુજરાત સરકારે કાયમ જોખમ લીધું અને આગળ વધી છે. રિન્યૂએબલ એનર્જીમાં પણ આ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી રહી છે.
બાયોટેક, આઈટી અને ફાઈનાન્સિયલ સર્વિસમાં પણ સંભાવના
આપણ ગમે તેટલો વિકાસ કરી લઈએ, સંભાવના ક્યારેય સમાપ્ત નથી થતી. આથી જ પારીખ કહે છે કે, અમે બાયો ટેક્નોલૉજી ક્ષેત્રમાં આગળ વધી શકીએ છીએ. આપણે ડિફેન્સ પ્રોડક્શન પર પણ કામ કરવું જોઈએ. જેમાં મેક ઈન ઈન્ડિયા ઝૂંબેશ ચાલી રહી છે, તેનો ફાયદો ઉઠાવી શકાય છે. MSME સેક્ટર તેમાં ઘણું જ યોગદાન કરી શકે છે. ઑટોમોબાઈલ સેક્ટરમાં ઘણું બધુ કરવાની આવશ્યક્તા છે. આ ક્ષેત્રમાં સારા-નરસા બન્ને અનુભવ રહ્યાં છે. ભૂતકાળના અનુભવોથી શીખીને ગુજરાતને ઓટોમોબાઈલ હબ બનાવી શકાય છે. જૂના અનુભવનો ઉપયોગ કરવો જોઈએ, નહીંતર તે બેકાર થઈ જશે.
પાલીવાલ કહે છે કે, મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત આગળ જ છે. આઈટી અને ફાઈનાન્સિયલ સર્વિસમાં પણ આગળ વધી શકે છે. ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી સેક્ટરમાં પણ ઘણી સંભાવના જોવા મળી રહી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, વીજળી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા સારી છે. આ ફેક્ટર ગુજરાતને આકર્ષક ડેસ્ટિનેશન બનાવી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આ માટે સારી તક છે. ગિફ્ટ સિટીમાં ફાઈનાન્સિયલ સર્વિસમાં જે પ્રકારે બિઝનેસ આવી રહ્યાં છે, તે સમગ્ર દેશ માટે ઉત્તમ ઉદાહરણ બની શકે છે.
પ્રજાપતિ 'રુર્બન ડેવલોપમેન્ટ'નો ઉલ્લેખ કરતાં કહે છે કે, ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ આધારિત ઈન્ડસ્ટ્રી ડેવલોપ થવી જોઈએ. જેનાથી સ્થાનિક લોકોને પણ રોજગાર મળી રહે. ખેડૂતોની આવક પણ વધશે. એક ફાયદો એ પણ થશે કે, ગામડાઓનો વિકાસ થશે અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર દબાણ ઓછું થશે.