120 વર્ષ જૂના ક્લબમાં પહોંચ્યા હર્ષ સંઘવી, દેરાસરમાં શીશ નમાવી જાપાન સ્થિત ગુજરાતીઓને કરી આ ખાસ અપીલ!

વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત જાપાન મુલાકાતે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોબેના ઐતિહાસિક ઇન્ડિયા ક્લબમાં ગુજરાતી સમુદાયને સંબોધી MSME માટે તકો ઊભી કરવા હાકલ કરી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 18 Oct 2026 11:20 PM (IST)Updated: Sun, 18 Oct 2026 11:20 PM (IST)
harsh-sanghavi-in-japan-fostering-gujaratnri-ties-business

Harsh Sanghavi Japan Visit: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાની જાપાન મુલાકાત દરમિયાન કોબે ખાતે વસતા ગુજરાતી અને ભારતીય સમુદાય સાથે વિશેષ સંવાદ સાધ્યો હતો. વર્ષ 1904થી અવિરત કાર્યરત અને 120 વર્ષથી વધુનો ગૌરવશાળી ઇતિહાસ ધરાવતા ઐતિહાસિક ‘કોબે ઇન્ડિયા ક્લબ’ ખાતે આ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપતાં પહેલાં તેમણે ક્લબની નજીક આવેલા પવિત્ર જૈન દેરાસરની મુલાકાત લઈ દર્શન-અર્ચન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

ઓપચારિક મુલાકાતોથી આગળ વધી કાયમી સંવાદ ઊભો કરવા આહવાન

ઇન્ડિયા ક્લબ ખાતે ઉપસ્થિત સમુદાયને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે- ગુજરાત અને વિદેશમાં વસતા ગુજરાતીઓ વચ્ચેનો સંબંધ માત્ર ઔપચારિક કાર્યક્રમો પૂરતો સીમિત ન રહેવો જોઈએ. તેમણે આહવાન કર્યું હતું કે દર બે વર્ષે આવતા ડેલિગેશનનું માત્ર સ્વાગત કરવાથી એક પગલું આગળ વધીને સતત સંવાદ અને સંપર્ક જળવાઈ રહે તેવું એક કાયમી તથા મજબૂત માળખું તૈયાર કરવું અત્યંત જરૂરી છે.

ગુજરાતના MSME અને ઉદ્યોગોને જાપાનમાં મળશે નવી વ્યાપારી તકો

હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે કોબે અને જાપાનમાં વસતા ભારતીય સમુદાયે પોતાની વર્ષોની મહેનતથી સ્થાનિક સ્તરે જે ઉત્કૃષ્ટ વિશ્વાસ અને સન્માન પ્રાપ્ત કર્યું છે, તેનો લાભ ગુજરાતના MSME અને નાના-મોટા ઉદ્યોગોને પણ મળવો જોઈએ. તેમણે અપીલ કરી હતી કે સ્થાનિક સ્તરે એવું પ્લેટફોર્મ વિકસાવવામાં આવે જેનાથી ગુજરાતના ઉદ્યોગોને જાપાનમાં નવા વ્યાપારી ભાગીદારો (Business Partners) અને નવી તકો મળી શકે. આ દિશામાં ગુજરાતનો ઉદ્યોગ વિભાગ અને ભારતીય દૂતાવાસ પૂર્ણ સંકલન સાધીને સંપૂર્ણ સહયોગ આપશે તેવો તેમણે વિશ્વાસ અપાવ્યો હતો.

પ્રવાસી ગુજરાતીઓની સેવાભાવનાને બિરદાવી, ઉષ્માભર્યું સ્વાગત કરાયું

આ પ્રસંગે વિદેશની ધરતી પર રહીને પણ પોતાની માતૃભૂમિ અને વતન ગુજરાત સાથે સતત જોડાઈ રહેલા અને સામાજિક ક્ષેત્રે અવિરત યોગદાન આપતા પ્રવાસી ગુજરાતી પરિવારોની સેવાભાવનાને તેમણે હૃદયપૂર્વક બિરદાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય અગ્રણીઓ અને સમુદાયના સભ્યોએ નાયબ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરી ગુજરાત સાથે વેપાર તેમજ સાંસ્કૃતિક સંબંધો વધુ સુદ્રઢ બનાવવાની ખાતરી આપી હતી.