ગામડાના બાળકો પણ હવે હાઇ-ટેક બનશે!, સુરત જિલ્લાને મળી 108 કરોડની ભેટ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ

સુરત જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં રૂ. 108 કરોડના 143 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું છે. સાથે જ ગ્રામ્ય શાળાઓ માટે ડિજિટલ 'ઇ-કક્ષા બસ'ને લીલી ઝંડી અપાઈ છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 16 Oct 2026 08:47 PM (IST)Updated: Fri, 16 Oct 2026 08:47 PM (IST)
surat-district-gets-108-cr-projects-digital-education-boost

Surat News: સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની કાયાપલટ કરવા અને છેવાડાના વિદ્યાર્થીઓને આધુનિક ડિજિટલ શિક્ષણથી સજ્જ કરવા માટે એક મોટો મહત્વાકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં સુરત જિલ્લા પંચાયત પ્રાંગણમાં રૂ. 108 કરોડના કુલ 143 વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું.

આ કાર્યક્રમમાં રૂ. 100 કરોડના ખર્ચે 104 નવા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. 8 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 39 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ડિજિટલ ક્લાસરૂમ્સ ઓન વ્હીલ્સ

ગ્રામીણ વિસ્તારના બાળકો કમ્પ્યુટર શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી જિલ્લા પંચાયત અને ટોયોટા કિર્લોસ્કર કંપનીના CSR ફંડના સહયોગથી તૈયાર કરાયેલી અત્યાધુનિક ‘ઇ-કક્ષા બસ’ (મોબાઈલ કમ્પ્યુટર લેબ)ને નાયબ મુખ્યમંત્રીશ્રીએ લીલી ઝંડી આપી રવાના કરી હતી.

શિક્ષણનું લક્ષ્યાંક: આ ઈ-બસ દ્વારા સુરત જિલ્લાના પાંચ બ્લોકની દર મહિને 10 થી 15 સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને કમ્પ્યુટર તાલીમ અને ડિજિટલ સાક્ષરતાનો સીધો લાભ મળશે.

ગામના આગેવાનોને અપીલ: હર્ષ સંઘવીએ સ્થાનિક અગ્રણીઓને અનુરોધ કર્યો હતો કે જ્યારે પણ આ બસ ગામની શાળામાં આવે ત્યારે એકપણ સીટ ખાલી ન રહે તે જોવાની નૈતિક જવાબદારી સ્થાનિક આગેવાનોની છે.

60થી વધુ ગામોમાં સિંચાઈ અને પાકા આવાસની સુવિધા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારનો ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી જનસુવિધા પહોંચાડવાનો છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર: સુરત જિલ્લાના વિવિધ ગ્રામીણ વિસ્તારોને જોડતા નવા રસ્તાઓ, 60થી વધુ ગામોમાં સિંચાઈ યોજનાઓ અને નવી આંગણવાડીઓનું નિર્માણ કરાશે.

હળપતિ સમાજ માટે પાકા મકાન: સરકારી આવાસ યોજનામાં લાભાર્થીઓને પતરાંના બદલે આર.સી.સી. (RCC) સ્લેબ ભરી આપવાના સુધારાત્મક સૂચનની સરાહના કરી હર્ષ સંઘવીએ હળપતિ સમાજના પરિવારોને ઝડપથી પાકા મકાન મળે તે માટે તંત્રની કામગીરીને બિરદાવી હતી.

"મોડે સુધી ગરબાની છૂટથી નાના વેપારીઓ માટે નવરાત્રી બની દિવાળી"

શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની શુભકામનાઓ આપતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાત્રે મોડે સુધી ગરબા રમવાની રાજ્ય સરકારની હકારાત્મક નીતિથી નાના વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને રેસ્ટોરન્ટ સંચાલકો માટે નવરાત્રીનો તહેવાર રોજી-રોટીની દ્રષ્ટિએ દિવાળી સમાન સાનૂકુળ અવસર બન્યો છે. સાથે જ શાંતિ અને સલામતી જાળવતી ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

સરકારી આંગણવાડીઓ, પંચાયત ઘરો કે બસ સ્ટેશન જેવી મિલકતો સમાજની પોતાની સંપત્તિ છે, તેથી તેની સ્વચ્છતા અને જાળવણી કરવાની જવાબદારી નાગરિકોની પણ છે તેવું તેમણે ઉમેર્યું હતું.

વિશ્વના ઝડપથી વિકસતા શહેરોમાં સુરત અગ્રેસર: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું કે, 'અંત્યોદય'ના અભિગમ સાથે સરકારે શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈ ક્ષેત્રે ઉત્તમ સુવિધાઓ ઊભી કરી છે. સુરત આજે વિશ્વના ૧૦ ઝડપથી વિકસતા શહેરોમાં સ્થાન ધરાવે છે.

રાજ્યની આરોગ્ય ક્ષેત્રની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ટીબી મુક્ત અભિયાન, કુપોષણ નાબૂદી તથા માતૃ-બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવામાં ગુજરાતને અભૂતપૂર્વ સફળતા મળી છે.

મહાનુભાવોની સક્રિય ઉપસ્થિતિ

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સમીરભાઈ મોદી, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યો ગણપતભાઈ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, મુકેશભાઈ પટેલ, સંદિપભાઈ દેસાઈ, મોહનભાઈ ઢોડીયા, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના, ટોયોટા કંપનીના જીએમ દિપાંજન બેનર્જી સહિત વહીવટી તંત્રના પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.