Hardik Patel News: વિરમગામ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અને નાગરિકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. આ પહેલના ભાગરૂપે, ગોલવાડી દરવાજા પાસે નવનિર્મિત પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં ગુનાખોરી અને ચોરી જેવી ઘટનાઓ પર અંકુશ મેળવવાનો છે.


આ પ્રસંગે, અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટની ઉપસ્થિતિમાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના અગ્રણી નાગરિકો અને આગેવાનોએ ભાગ લીધો હતો.



આ ઘટના અંગે હાર્દિક પટેલે તેના સોશિયલ મીડિયમાં પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, આજે વિરમગામ શહેરમાં નવનિર્મિત ગોલવાડી દરવાજા પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની હાજરીમાં શહેરના મુખ્ય આગેવાનો સાથે બેઠક કરવામાં આવી અને જે નાગરિકોએ પોલીસ વિભાગને મદદરૂપ થયા છે તેવા બુદ્ધિજીવી નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું. શહેરના જે લોકો સાથે છેતરપિંડી થઈ હોય, મોબાઇલ ચોરી થઈ હોય તે લોકોને રકમ તથા મોબાઈલ પરત કરવામાં આવ્યા જેનાથી લોકોનો ભરોસો વિરમગામ શહેરની પોલીસ પર વધ્યો છે. શહેરના લોકોની સલામતી માટે અભય યાત્રી સ્ટીકરનું રિક્ષા પર લોન્ચિંગ કરવામાં આવ્યું. આજના પ્રસંગે અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, ડિવિઝનના ડીવાયએસપી તપન ડોડીયા, ટાઉનના પોલીસ ઇસ્પેક્ટર કે.એસ દવે તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.