Jignesh Barot Garba Navratri 2025: નવરાત્રિના તહેવારને વધુ ભવ્ય બનાવવા માટે, આ વર્ષે મા ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. બોપલ ખાતે વકીલ બ્રિજ પાસે એસપી રિંગ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી નવરાત્રિના દસ દિવસ દરમિયાન આ આયોજન થશે. માં ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલ અને હરિ ઓમ કન્સલ્ટન્સીના કૃષિત બારોટ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અંદાજે 1.5 લાખથી વધુ લોકો જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
જીગ્નેશ કવિરાજે જણાવ્યું કે, ખેલૈયાઓ મારા માટે ઊર્જાનો સ્ત્રોત છે. તેમણે ગત વર્ષના પ્રેમ અને ઉત્સાહનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ વર્ષે તે બમણું મનોરંજન આપીને આ પ્રેમ પાછો વાળવા માંગે છે. આ નવરાત્રિનું આયોજન પરંપરાગત ગરબાની સુંદરતાને જાળવી રાખીને તેમાં નવા સંગીતના પ્રયોગો કરીને ખેલૈયાઓને એક યાદગાર અનુભવ કરાવવાનો મુખ્ય હેતુ ધરાવે છે. આશા છે કે આ નવરાત્રિ ઉત્સવ સંગીત, પરંપરા, ભક્તિ અને આનંદનો એક યાદગાર સંગમ બનશે.
આ નવરાત્રિનું મુખ્ય આકર્ષણ ગુજરાતના લોકપ્રિય ગાયક જીગ્નેશ કવિરાજ રહેશે, જે દસ દિવસ સુધી ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ જીગ્નેશ કવિરાજનું પરફોર્મન્સ અમદાવાદીઓ માટે એક ખાસ અનુભવ રહેશે. જયદીપસિંહ ગોહિલે જણાવ્યું કે, ગત વર્ષે મળેલા અભૂતપૂર્વ પ્રેમ બાદ આ વર્ષે વધુ ભવ્ય અને યાદગાર આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓની સુરક્ષા અને સુવિધાને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગરબા ગ્રાઉન્ડ વિશાળ હોવાથી ખેલૈયાઓ ખુલ્લા મને ગરબા રમી શકશે, અને ત્યાં 15 જેટલા ફૂડ સ્ટોલ્સ પણ ઉપલબ્ધ હશે.