Poet Rajendra Shukla Passes Away: ગુજરાતી કવિતા અને ગઝલ વિશ્વમાં એક એવો શૂન્યાવકાશ સર્જાયો છે. જેની પૂર્તિ કયારેય થઈ શકશે નહી. ગુજરાતના દિગ્ગજ કવિ, ગઝલકાર અને વિવેચક રાજેન્દ્ર શુકલનું 84 વર્ષની જૈફ વયે આજે વહેલી સવારે અમદાવાદ ખાતે નિધન થયું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી હ્રદય સંબંથિત તકલીફને લીધે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યાં તેમણે પોતાની જીવનના અંતિમ ક્ષણો વીતાવીને અંતિમ શ્વાસ લીધા હતા. આજે સાંજે 6 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી થલતેજ સમશાનગૃહ ખાતે અંતિમ યાત્રા નીકળશે.
અધ્યાપન છોડી અપવાની કાવ્ય સાધના
12 ઓક્ટોબર1942ના રોજ જૂનાગઢ જિલ્લાના બાંટગા ગામે જન્મેલા રાજેન્દ્ર અનંતરાય શુક્લના વ્યક્તિત્વ અને કવિતાઓ પર ગિરનારની તળેટી અને આદ્યકવિ નરસિંહ મહેતાની ભક્તિધારાનો ખૂબ જ ઊંડો પ્રભાવ હતો. અમદાવાદની એલ.ડી આર્ટ્સ કોલેજ અને ગુજરાત યુનિવર્સિટીમાં સંસ્કૃત અને પ્રાકૃત વિષયમાં માસ્ટર ઓફ આર્ટ્સની માનદ પદવી મેળવ્યા બાદ તેમણે 1982 સુધી વિવિધ કોલેજોમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. જોકે, ત્યારબાદ તેમણે સ્વૈચ્છિક નિવૃતિ લઈને સમગ્ર જીવન કાવ્ય સાધના અને પોતાના સંતાનોને ઘરે જ શિક્ષણ આપવાના નવતર પ્રયોગને સમર્પિત કરી દીધું, તેમના જીવનસંગિની નયના જાની પણ ગુજરાતી સાહિત્ય જગતના જાણીતા કવયિત્રી છે.
ગઝલને તત્વજ્ઞાન અને સંગીતની ઊંચાઈ બક્ષનાર સર્જક
રાજેન્દ્ર શુક્લએ ગુજરાતી ગઝલને પરંપરાગત ઢાંચામાંથી બહાર કાઢીને તેમાં સંસ્કૃત શબ્દોનું ઐશ્વર્ય, તળપદી બોલીની મીઠાશ અને ભારતીય તત્વજ્ઞાનનું ઊંડાણ ઉમેર્યું હતું.
- અમૂલ્ય સાહિત્યિક વારસો: 1970માં પ્રકાશિત થયેલો તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોમલ રિષભ’, 1972નું દીર્ઘકાવ્ય ‘સ્વવાચકની શોધ’ અને 1981નો લોકપ્રિય સંગ્રહ ‘અંતર ગાંધાર’ ગુજરાતી સાહિત્યના સીમાચિહ્નો ગણાય છે.
- ગઝલસંહિતા: તેમની ત્રણ દાયકાની ગઝલયાત્રાને સમાવતો પાંચ ભાગનો બૃહદ ગ્રંથ ‘ગઝલસંહિતા’ (2005) ગુજરાતી ભાષાની એક ઐતિહાસિક મૂડી છે. ગઝલ ઉપરાંત તેમણે ગીત, છંદોબદ્ધ કાવ્યો અને અછાંદસ રચનાઓમાં પણ સંગીત અને સૂક્ષ્મ સંવેદનાઓનું અદભુત નિરૂપણ કર્યું છે.
રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી સહિત અનેક સર્વોચ્ચ સન્માનોથી વિભૂષિત
સાહિત્ય ક્ષેત્રે તેમના અજોડ પ્રદાન બદલ તેમને ગુજરાતી ભાષાના લગભગ તમામ પ્રતિષ્ઠિત પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા:
- 2006: રણજિતરામ સુવર્ણચંદ્રક અને નરસિંહ મહેતા એવોર્ડ
- 2007: ‘ગઝલસંહિતા’ ગ્રંથ માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર
- 2008-2009: નર્મદ સુવર્ણચંદ્રક અને વલી ગુજરાતી ગઝલ એવોર્ડ
આ ઉપરાંત કવિ શ્રી ન્હાનાલાલ પારિતોષિક અને ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક જેવા અનેક સન્માનો તેમની સાહિત્યિક પ્રતિભાની સાક્ષી પૂરે છે.
