ઓલ ધ બેસ્ટ પંડ્યા: મલ્હાર ઠાકર અને દર્શન જરીવાલા સ્ટાર ફિલ્મ 14 માર્ચે થશે રિલીઝ, પિતા-પુત્રના સંબંધો જટિલતા દર્શકોને આપશે ભરપૂર એન્ટરટેઈનમેન્ટ

પ્રોડ્યુસર જીગર ચૌહાણ અને મલ્હાર ઠાકર આ અગાઉ ઘણી ફિલ્મો સાથે કરી ચૂક્યા છે અને હવે આ ફિલ્મને પણ દર્શકો અગાઉની ફિલ્મોની જેમ ભરપૂર પ્રેમ આપશે તેવો તેમને સંપૂર્ણ વિશ્વાસ છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Mon 17 Feb 2025 03:54 PM (IST)Updated: Mon 17 Feb 2025 03:54 PM (IST)
gujarati-movie-all-the-best-pandya-starring-malhar-thakar-darshan-jariwala-check-release-date-476712

All The Best Pandya: મલ્હારની અન્ય એક ફિલ્મ 14મી માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહી છે જેનું નામ છે ઓલ ધ બેસ્ટ પંડ્યા. જીગર ચૌહાણ પ્રોડક્શનની બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ એલએલપીના સહયોગ સાથેની આ ફિલ્મના ડિરેક્ટર્સ રાહુલ ભોલે અને વિનીત કનોજિયા છે કે જેઓ પોતાના પ્રતિભાશાળી કામ માટે જાણીતા છે. આ ફિલ્મ જીગર ચૌહાણ, જીગર પરમાર અને મલ્હાર ઠાકર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા આ ફિલ્મ નેશનવાઈડ રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે પ્રોડ્યુસર જીગર ચૌહાણ અને મલ્હાર ઠાકર આ અગાઉ ઘણી ફિલ્મો સાથે કરી ચૂક્યા છે અને હવે આ ફિલ્મને પણ દર્શકો અગાઉની ફિલ્મોની જેમ ભરપૂર પ્રેમ આપશે તેવો તેમને સંપૂર્ણ વિશ્વાસ છે.

મલ્હાર ઠાકર આ ફિલ્મમાં અક્ષય પંડ્યાની ભૂમિકામાં છે અને તેમની સાથે દર્શન જરીવાલા (હસમુખ પંડ્યા), વંદના પાઠક (ઇન્દુ) અને યુક્તિ રાંદેરિયા (ભૂમિ) પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો અક્ષય પંડ્યા (મલ્હાર) અને તેમના પિતા હસમુખ પંડ્યા (દર્શન જરીવાલા) વચ્ચેના સબંધો થોડાં જટિલ હોય છે. તેમના જીવનમાં એક અણધાર્યો વળાંક આવે છે. હસમુખ પંડ્યા કે જેઓ એક સિદ્ધાંતવાદી અને ઈમાનદાર વ્યક્તિ છે, તેમના પર લાંચ લેવાનો આરોપ મુકવામાં આવે છે. કાયદાકીય રીતે તેમને ન્યાય મળતો નથી. અક્ષય પોતાના પિતાને ન્યાય અપાવવા માટે કોર્ટમાં જાય છે. કોર્ટરૂમમાં લાગણીઓનો સમન્વય દર્શાવતી આ એક સંપૂર્ણ ડ્રામા ફિલ્મ છે.આ ફિલ્મ પિતા-પુત્રના સંબંધોની જટિલતાઓને શોધે છે, સાથે સાથે પ્રામાણિકતા, પરિવાર અને સત્યને પડકારતા કેસને પણ ઉજાગર કરે છે.

પ્રેમ ગઢવી, અંકિત બ્રહ્મભટ્ટ અને નિકિતા શાહ દ્વારા લેખિત આ ફિલ્મમાં સ્મિત જોશી, પ્રેમ ગઢવી, અર્ચન ત્રિવેદી, ધારા શાહ, સતીશ ભટ્ટ, નિસર્ગ ત્રિવેદી,  લિપી ત્રિવેદી, કર્તવ્ય શાહ, ફિરોઝ ઈરાની, ભાર્ગવ જોશી, નિકિતા શાહ, ઉર્મિલા સોલંકી, હિરણ્ય ઝીંઝુવાડિયા અને પ્રથમ પટેલ વગેરે કલાકારો પણ અત્યંત મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે.

એકંદરે ઓલ ધ બેસ્ટ પંડ્યા એક હૃદયસ્પર્શી કૌટુંબિક ડ્રામા છે જે પેઢીઓ વચ્ચેના અંતર, આદર અને સમજણ વિશે છે. તે મધ્યમ વર્ગના ભારતીય પરિવારની બદલાતી ગતિશીલતા પર પ્રકાશ પાડે છે, જ્યાં પરંપરા અને આધુનિક આકાંક્ષાઓ આમને- સામને આવે છે, પરંતુ પ્રેમ અને વિશ્વાસ દ્વારા વચ્ચેનો માર્ગ શોધે છે.