ગુજરાતી ફિલ્મ 'ચટણી'નો હવે સ્વાદ દેશભરમાં! ત્રણ ભાષામાં રિમેકની તૈયારી, સૂત્રોમાંથી મોટી ખબર

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ચટણી ફિલ્મની હિન્દી, મરાઠી અને તમિલ રિમેક બનાવવાની તૈયારીઓ શરૂ થઈ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 15 Oct 2026 04:19 PM (IST)Updated: Thu, 15 Oct 2026 04:19 PM (IST)
chutney-gujarati-movie-hindi-marathi-tamil-remake-plans-malhar-thakar-pooja-joshi

Gujarati Movie Chutney Remake: "જીવનમાં 'ચટણી' હોય તો જ સ્વાદ આવે!" ગુજરાત સહીત સમગ્ર ભારતના દર્શકો સાથે દિલથી કનેક્ટ થઈ રહી છે ફિલ્મ ચટણી. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, દેશભરમાંથી મળી રહેલા અદ્ભુત પ્રતિસાદને જોતા હવે ગુજરાતી ફિલ્મ ચટણીની હિન્દી, મરાઠી અને તમિલ રિમેક માટે તૈયારીઓ શરૂ થઈ છે.

જ્યાં વાત ગુજરાતીઓની આવે, ત્યાં ભોજનનો ચટાકો અને સ્વાદની ચર્ચા ન થાય એવું તો બને જ નહીં! કહેવાય છે ને કે ગુજરાતીઓ માટે "જીવનમાં ચટણી હોય તો જ જમવાનો અસલ સ્વાદ આવે!" બસ, આ જ સ્વાદિષ્ટ વાત અત્યારે બોક્સ ઓફિસ પર પણ સાચી પડી રહી છે. વર્તમાન સમયમાં જ્યારે ગુજરાતી સિનેમા પોતાના સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે Eforu Entertainment દ્વારા તેમના બેનર હેઠળ બનેલી ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ચટણી' થિયેટરોમાં હાઉસફુલ શો સાથે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે.

સૌથી રસપ્રદ બાબત એ છે કે, ફિલ્મની વાર્તા માત્ર ગુજરાત પૂરતી સીમિત ન રહેતા, તેની પારિવારિક સંવેદના અને માટીની સુવાસના કારણે સમગ્ર ભારતના દર્શકો સાથે ખૂબ જ ઊંડાણપૂર્વક કનેક્ટ થઈ રહી છે. માતૃપ્રેમ, કૌટુંબિક મૂલ્યો અને સંઘર્ષની આ યુનિવર્સલ લાગણી દરેક ક્ષેત્રના લોકોને પોતાની લાગી રહી છે.

નિર્માતા પ્રશાંત મોદી, નિલેશ મોદી, અમિત વેદાવાલા અને હર્ષ પટેલ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મને મળી રહેલા આ જબરદસ્ત કનેક્શન અને પ્રશંસાને ધ્યાનમાં રાખીને, સૂત્રોના જણાવ્યા અનુસાર મેકર્સ હવે આ ફિલ્મને હિન્દી, મરાઠી અને તમિલ ભાષામાં પણ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જે અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

'લવની ભવાઈ' જેવી કલ્ટ ક્લાસિક ફિલ્મ આપનાર દિગ્દર્શક સંદીપ પટેલના નિર્દેશનમાં અને ક્રિએટિવ પ્રોડ્યુસર નીરજ જોશીના માર્ગદર્શન હેઠળ બનેલી આ ફિલ્મ માત્ર સ્વાદની જ નહીં, પરંતુ પારિવારિક સંવેદનાઓ અને સંબંધોની એક અનોખી વાર્તા છે. વાર્તાના કેન્દ્રમાં 115 વર્ષ જૂની કૌટુંબિક પરંપરાગત વાનગી અને ખાસ કરીને માતાના હાથની સ્વાદિષ્ટ ચટણીનો વારસો છે.

ફિલ્મમાં પુત્ર (મલ્હાર ઠાકર) પોતાની માતાના હાથનો આ પરંપરાગત સ્વાદ આખી દુનિયા સામે લાવવા અને તેને એક આધુનિક બ્રાન્ડ બનાવવાની ઝુંબેશ ઉપાડે છે, જ્યાં મા-દીકરા વચ્ચેનો વહાલસોયો સંબંધ દર્શકોની આંખો ભીની કરી દે છે. આ બિઝનેસ સફર દરમિયાન આધુનિક વિઝન ધરાવતા દીકરા અને જૂની વિચારધારા ધરાવતા પિતા વચ્ચે વૈચારિક ટકરાવ વાર્તામાં મોટો વળાંક લાવે છે.

પિતાનો શરૂઆતી વિરોધ, ધંધાકીય સંઘર્ષ અને સિટી લાઈફના પડકારો વચ્ચે પોતાની પરંપરાને જીવંત રાખવાનું સ્વપ્ન ખૂબ જ સુંદર રીતે સ્ક્રીન પર વણી લેવામાં આવ્યું છે. વાર્તાના અંતમાં બાપ-દીકરાના સંબંધોમાં આવતો મધુર વળાંક અને પરસ્પરનો પ્રેમ દરેક પરિવારના દિલને સ્પર્શી જાય છે.

ગુજરાતી સિનેમાની પોપ્યુલર રિયલ લાઈફ જોડી મલ્હાર ઠાકર અને પૂજા જોશી લગ્ન પછી પ્રથમ વખત મોટા પડદા પર એક સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે, અને બંને વચ્ચેની સહજ કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ઉપરાંત પ્રશાંત બારોટ, હેતલ મોદી, સ્મિત જોશી, પ્રેમલ યાજ્ઞિક, મનિષા ત્રિવેદી અને આકાશ ઝાલા જેવા જાણીતા કલાકારોનો ઉત્કૃષ્ટ અભિનય ફિલ્મની સફળતાનું મુખ્ય ફેક્ટર સાબિત થયો છે.

પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી હાસ્ય, સંવેદના અને કૌટુંબિક મૂલ્યોથી સભર આ ફિલ્મનો અસલ સ્વાદ દરેક ભારતીય પરિવારે થિયેટરમાં જઈને અચૂક માણવા જેવો છે.