ગુજરાતના હવામાનમાં પલટોઃ અમદાવાદ સહિત 24 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદને લઈને યેલો એલર્ટ જારી

આગામી 3 કલાક 24 જિલ્લાઓમાં પવનની મહત્તમ ગતિ 40 કિમી પ્રતિકલાકની રહેવાની શક્યતા છે. જ્યારે વીજળી પવાની સંભાવના 30 ટકાથી પણ ઓછી દર્શાવવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 07 Apr 2026 03:33 PM (IST)Updated: Tue, 07 Apr 2026 03:33 PM (IST)
gujarat-weather-update-yellow-alert-issued-in-24-districts-including-ahmedabad-for-rain-strong-winds
HIGHLIGHTS
  • હવામાન વિભાગે 3 કલાકનું બુલેટિન જાહેર કર્યું
  • વિસનગર અને ભાવનગરમાં વરસાદી માહોલ છવાયો

Ahmedabad: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ વારાફરતી આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કુદરતના મિજાજમાં મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. અત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા પશ્ચિમી વિક્ષોપ અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજથી ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે.

એવામાં અમદાવાદ સ્થિત હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ 'નાઉકાસ્ટ' બુલેટિન મુજબ, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી 3 કલાક દરમિયાન હળવો વરસાદ અને ગાજવીજ થવાની સંભાવનાને જોતા યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

કયા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના 24 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને કચ્છ તેમજ દક્ષિણ અને પૂર્વ ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદ વરસી શકે છે.

પવનની ગતિ અને વીજળીની શક્યતા
આ વરસાદી માહોલ દરમિયાન સપાટી પર પવનની મહત્તમ ગતિ 40 કિમી પ્રતિ કલાક (ઝટકા સાથે) રહેવાની શક્યતા છે. જોકે, રાહતની વાત એ છે કે વાદળથી જમીન પર વીજળી પડવાની સંભાવના 30 ટકાથી પણ ઓછી દર્શાવવામાં આવી છે.

વિસનગર-ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો
આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉત્તર ગુજરાતના વિસનગર અને ભાવનગર શહેરમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને અસહ્ય બફારા અને ગરમીમાંથી રાહત મળી છે.