Gujarat Weather Update: ગુજરાતમાં બે દિવસથી લઘુત્તમ તાપમાન એટલે કે રાત્રીનો પારો ગગડી રહ્યો છે. આજે પણ રાજ્યમાં મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે રહ્યું છે. 16.5 ડિગ્રી સાથે વડોદરા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદ શહેરમાં રાત્રીનું તાપમાન 18 ડિગ્રી સુધી પહોંચતા રાત્રે અને વહેલી સવારે શિયાળાના પ્રારંભનો અનુભવ કરાવતી ઠંડીનો અહેસાસ થયો હતો. જોકે મહત્તમ તાપમાન હજી પણ મોટાભાગના શહેરોમાં 35 ડિગ્રી કે તેથી વધુ નોંધાઇ રહ્યું છે. જેના પગલે બપોરે ગરમીનો દોર યથાવત છે.
16.5 ડિગ્રી સાથે વડોદરા સૌથી ઠંડુ શહેર | Vadodara coldest at 16.5 C
આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 16.5 ડિગ્રી સાથે વડોદરા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. જ્યારે નલિયામાં 17 ડિગ્રી, મહુવામાં 17.3, અમરેલીમાં 18.2, રાજકોટમાં 18.2, અમદાવાદમાં 18.3, ડીસામાં 19, કેશોદમાં 19.4, ગાંધીનગરમાં 19.5, પોરબંદરમાં 19.7, સુરતમાં 19.9, ભાવનગરમાં 20.6, સુરેન્દ્રનગરમાં 20.8, ભુજમાં 21, કંડલા પોર્ટમાં 22.5, દ્વારકામાં 22.5, વેરાવળમાં 23.2, ઓખામાં 24.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન | City-Wise Maximum Temperatures in Gujarat
રાજ્યના મહત્તમ તાપમાનની વાત કરીએ તો આજે પણ રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વેરાવળમાં 36 ડિગ્રી, સુરતમાં 35.8, સુરેન્દ્રનગરમાં 35.8, ભુજમાં 35.8, પોરબંદરમાં 35.7, ડીસામાં 35.6, કેશોદમાં 35.5, વલ્લભ વિદ્યાનગરમાં 35.1, વડોદરામાં 35, મહુવામાં 35, કંડલા પોર્ટમાં 34.5, નલિયામાં 34.2, અમદાવાદમાં 33.5, ગાંધીનગરમાં 33.2, ભાવનગરમાં 33.2, ઓખામાં 30.6, દ્વારકામાં 30.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતનું હવામાન કેવું રહેશે | Gujarat Weather Forecast
હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં હવામાન સૂકું રહ્યું હતું. વડોદરા અને અમદાવાદ સહિતના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. આગામી સાત દિવસ રાજ્યમાં માવઠું થવાની શક્યતા નથી.
બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સક્રિય | Low Pressure Area Forms Over Bay of Bengal
હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા બન્યો છે. આ લો પ્રેશર એરિયા આવતીકાલે 14 નવેમ્બરના રોજ ઉત્ત-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે અને વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયામાં ફેરવાઇ શકે છે. 15 નવેમ્બરના રોજ આ જ વિસ્તારમાં તે ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની પ્રબળ શક્યતા છે. ત્યારબાદ તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને 16 નવેમ્બરની સાંજની આસપાસ મધ્ય બંગાળની ખાડી પર વધુ તીવ્ર બનીને ચક્રવાતી તોફાન એટલે કે સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાય તેવી શક્યતા છે.
