Gujarat Temperature Update,15 November 2026: ગુજરાતમાં ધીમે-ધીમે શિયાળાની શરૂઆત થઇ છે. રાત્રે અને વહેલી સવારે ઠંડીનું જોર વધશે. જોકે બપોરે હજી પણ ગરમીથી રાહત મળી નથી. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઇ શકે છે. આજે 16.9 ડિગ્રી સાથે મહુવા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રી નોંધાયું છે.
ગુજરાતમાં ઠંડીનું જોર ત્રણ દિવસ બાદ વધશે | Gujarat Weather Forecast
હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય ત્યારબાદ પારો ગગડશે. લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ગગડી શકે છે. એટલે કે હાલ જે 25 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન નોંધાઇ રહ્યું છે તે ઘટીને 20 કે 21 ડિગ્રી સુધી નીચુ જઇ શકે છે. કેટલાક વિસ્તારોમાં આ તાપમાન 15થી 18 ડિગ્રીની વચ્ચે પણ જઇ શકે છે. જોકે મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શક્યતા નથી.
16.9 ડિગ્રી સાથે મહુવા રાજ્યનું સૌથી ઠંડુ શહેર | Mahuva Coldest at 16.9°C
આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 16.9 ડિગ્રી સાથે મહુવા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. આ ઉપરાંત વડોદરામાં 18 ડિગ્રી, ગાંધીનગરમાં 18.5, કેશોદમાં 19.1, ડીસામાં 19.4, અમદાવાદમાં 19.6, સુરતમાં 19.6, ભાવનગરમાં 19.8, નલિયામાં 20, પોરબંદરમાં 20, રાજકોટમાં 21.5, ભુજમાં 21.8, સુરેન્દ્રનગરમાં 22.3, કંડલા પોર્ટમાં 22.3, કંડલા પોર્ટમાં 22.5, વેરાવળમાં 22.7, દ્વારકામાં 24.2, ઓખામાં 25.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
રાજકોટમાં સૌથી વધુ 35.7 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું | Rajkot Maximum Temperature
રાજ્યના આજના મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 35.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જે આજે રાજ્યમાં સૌથી વધુ છે. આ ઉપરાંત ભુજમાં 35 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 34.7, વલ્લભ વિદ્યાનગરમાં 34.4, ડીસામાં 34.3, વડોદરામાં 34.2, અમદાવાદમાં 34.2, નલિયામાં 34, કેશોદમાં 33.9, મહુવામાં 33.8, કંડલા પોર્ટમાં 33.5, વેરાવળમાં 33.4, ગાંધીનગરમાં 33.2, પોરબંદરમાં 33.2, ભાવનગરમાં 32.7, ઓખામાં 30.4 અને દ્વારકામાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.
આવતીકાલે બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે | Bay of Bengal Cyclonic Update
વાત બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમની કરીએ તો હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ અને તેને અડીને આવેલા દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં સર્જાયેલું ડિપ્રેશન હવે વધુ મજબુત બની રહ્યું છે. આ સિસ્ટમ ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી આવતીકાલે 16 નવેમ્બરના રોજ વાવાઝોડું એટલે કે સાઇક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાશે. 17 નવેમ્બરના રોજ આ વાવાઝોડું અતિ તીવ્ર બનીને સિવિયર સાઇક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાય તેવી પ્રબળ શક્યતા છે. ત્યારબાદ તે વધુ મજબૂત બનશે. 18 અને 19 નવેમ્બર દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશામાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધશે. એ સમયે પવનની ઝડપ 120થી 145 કિ.મી. પ્રતિકલાકની રહી શકે છે.
