Gujarat Weather: ગુજરાતમાં એક તરફ ચોમાસાની વિદાયના એંધાણ વર્તાઈ રહ્યા છે, તો બીજી તરફ નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સિસ્ટમ્સ સક્રિય થવાથી સર્જાયું નવું સમીકરણ
આ પણ વાંચો
હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં પણ એક મજબૂત 'વેલમાર્ક લો-પ્રેશર' એરિયા બન્યો છે, જે આગામી કલાકોમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. આ બેધારી સિસ્ટમની અસરને કારણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.
ચોમાસાની વિદાય ક્યારે થશે?
હાલ રાજ્યમાં સામાન્ય વરસાદની સરખામણીએ હજુ પણ સાત ટકા જેટલી ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, સામાન્ય રીતે ચોમાસું કચ્છ અને ઉત્તર ગુજરાત પાસેથી વિદાય લેવાની શરૂઆત કરી દેતું હોય છે, પરંતુ આ વર્ષે તારીખ થોડી આગળ ગઈ છે. આગામી બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસું સત્તાવાર રીતે વિદાય લઈ શકે છે, જ્યારે અમદાવાદ શહેરમાં 27 સપ્ટેમ્બર આસપાસ ચોમાસાની આખરી વિદાય થવાની સંભાવના છે.
આજે અમદાવાદ સહિત રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે અને વીજળીના કડાકા-ભડાકા સાથે હળવા ઝાપટાં પડી શકે છે.
