Gujarat Weather Forecast: રાજ્યમાં સાત દિવસ છૂટોછવાયો હળવો વરસાદ થઇ શકે, ડીસા-નલિયામાંથી ચોમાસું લઇ રહ્યું છે વિદાય

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા હાલમાં ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા, નલિયા પરથી પસાર થઈ રહી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 25 Sep 2026 02:56 PM (IST)Updated: Fri, 25 Sep 2026 02:56 PM (IST)
gujarat-weather-forecast-light-rain-likely-monsoon-begins-to-withdraw

Gujarat Weather Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: રાજ્યમાં છેલ્લા બે દિવસથી સૂકુ વાતાવરણ રહ્યું છે. ક્યાંક વરસાદ વરસ્યો હોવાના અહેવાલ નથી. જોકે હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. જે હળવા ઝાપટાંના સ્વરૂપમાં હોઇ શકે છે. હાલ ચોમાસાની વિદાય રેખા ડીસા અને નલિયામાંથી પસાર થઇ રહી છે. આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાંથી વિધિવત રીતે ચોમાસું વિદાય લઇ શકે છે. જેના પગલે રાજ્યમાં ગરમી અને ઉકળાટમાં વધારો જોવા મળી રહ્યો છે.

ડીસા, નલિયા પરથી પસાર થઈ રહી છે ચોમાસાની વિદાય રેખા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા હાલમાં ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા, નલિયા પરથી પસાર થઈ રહી છે. ઉત્તર આંધ્રપ્રદેશ અને સંલગ્ન દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને નબળું પડ્યું છે. તે દક્ષિણ ઓડિશા અને સંલગ્ન છત્તીસગઢ પર ડિપ્રેશન તરીકે કેન્દ્રિત હતું. ત્યારબાદ તે 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધીને દક્ષિણ છત્તીસગઢ અને સંલગ્ન દક્ષિણ ઓડિશા પર કેન્દ્રિત થયું છે.

આગામી 12 કલાક સુધી આ સિસ્ટમ ડિપ્રેશન તરીકે પોતાની તીવ્રતા જાળવી રાખશે અને ત્યારબાદના 12 કલાકમાં વધુ નબળી પડીને વેલ-માર્ક્ડ લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ ઉપરાંત, મધ્ય ટ્રોપોસ્ફિયરના પશ્ચિમી પવનોમાં એક નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે સક્રિય થયો છે, જેની ધરી સમુદ્રની સપાટીથી 7.6 કિમી ઊંચાઈએ સ્થિત છે. જ્યારે અગાઉનો પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી ગયો છે. હાલ નીચલા સ્તરે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.

25 સપ્ટેમ્બર અંગે શું છે હવામાનની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આજે 25 સપ્ટેમ્બર 2026ના રોજ પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે. આ જિલ્લાઓમાં વરસાદની કોઇ શક્યતા નથી.

26થી 30 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદની શક્યતા ઓછી

26થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી. હવામાન સૂકું રહેવાની શક્યતા છે.

1 ઓક્ટોબરે રાજ્યના મોટભાગના જિલ્લાઓમાં વરસાદ નહીં

1 ઓક્ટોબર 2026ના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે. એ સિવાય સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી. હવામાન સૂકું રહેવાની શક્યતા છે.