Gujarat Weather Forecast: ઓક્ટોબર મહિનામાં કેટલું રહેશે તાપમાન? જાણો હવામાન વિભાગનું એક્સ્ટેન્ડ રેન્જ ફોરકાસ્ટ

ઓક્ટોબરના પ્રારંભિક દિવસોમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધુ રહેશે. મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 36 થી 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 04 Oct 2026 06:43 PM (IST)Updated: Sun, 04 Oct 2026 06:43 PM (IST)
gujarat-weather-forecast-how-will-the-weather-remain-in-state-during-october

Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસાની વિધિવત વિદાય થઇ ગઇ છે અને હવે ધીરે-ધીરે શિયાળાનું આગમન થશે. જોકે ઓક્ટોબર મહિના દરમિયાન બપોરના સમયે ગરમીનો અનુભવ યથાવત રહી શકે છે. જ્યારે રાત્રીના સમયે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. હવામાન વિભાગના એક્સ્ટેન્ડ રેન્જ ફોરકાસ્ટ મોડલ અનુસાર ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન કેટલું રહેશે. દિવસ દરમિયાન ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડી અંગે પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે.

8 ઓક્ટોબર સુધી કેટલું રહી શકે તાપમાન

ઓક્ટોબરના પ્રારંભિક દિવસોમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધુ રહેશે. મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 36 થી 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેના કારણે બપોરના સમયે ગરમી અનુભવાશે. જોકે, રાત્રિના તાપમાનમાં 1 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાતા ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. મુખ્ય શહેરોમાં રાત્રિનું તાપમાન 20 થી 24 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પારો 20 થી 22 ડિગ્રી સુધી ગગડી શકે છે.

9થી 15 ઓક્ટોબર ગરમીમાં આંશિક રાહત મળી શકે

આ સપ્તાહમાં દિવસના તાપમાનમાં સહેજ ઘટાડો જોવા મળશે અને તે 34 થી 38 ડિગ્રીની વચ્ચે રહેશે. જોકે, રાત્રીના તાપમાનમાં 1 થી 3 ડિગ્રીનો વધારો થતા ઉકળાટનો અહેસાસ થશે. ઉત્તર ગુજરાતમાં રાત્રીનું તાપમાન 18 થી 22 ડિગ્રી, જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 20 થી 25 ડિગ્રીની વચ્ચે રહેશે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા વાતાવરણ સાથે તાપમાન 24 થી 26 ડિગ્રી નોંધાશે.

16 થી 22 ઓક્ટોબર રાત્રે ઠંડી પણ બપોરે ઉકળાટ રહી શકે

ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં શિયાળાની આછી શરૂઆત થશે, પરંતુ દિવસનું તાપમાન હજુ પણ 34 થી 38 ડિગ્રીની આસપાસ જળવાઈ રહેશે. રાત્રિના તાપમાનમાં ઘટાડો થતા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 16 થી 22 ડિગ્રી સુધી ઠંડક અનુભવાશે. સૌરાષ્ટ્રમાં પણ પારો 18 થી 22 ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં રાત્રિનું તાપમાન 20 થી 24 ડિગ્રીની આસપાસ રહેશે.

23 થી 29 ઓક્ટોબર ઠંડીનો ચમકારો જોવા મળી શકે

મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો બરાબરનો વધશે. દિવાળીના તહેવાર ટાણે રાત્રિનું તાપમાન નોંધપાત્ર રીતે ગગડીને 14 થી 20 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે આવી જશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં રાત્રે અને વહેલી સવારે તીવ્ર ઠંડી અનુભવાશે, જ્યાં પારો 14 થી 17 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દિવસનું મહત્તમ તાપમાન પણ 30 થી 36 ડિગ્રીની વચ્ચે આવતા ગરમીથી મોટી રાહત મળશે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે.