Gujarat Rain Forecast: વાદળછાયા વાતાવરણ વચ્ચે હજી 7 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, આ જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં વરસી શકે

હવામાન વિભાગ અનુસાર, આજે 16 જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 16 Jun 2026 03:14 PM (IST)Updated: Tue, 16 Jun 2026 03:14 PM (IST)
gujarat-weather-forecast-heatwave-cloudy-sky-light-rain-showers

Gujarat Rain Forecast: નૈઋત્યનું ચોમાસું તેના નિર્ધારિત સમય કરતા મોડું છે. જૂન મહિનો અડધો વિતી ચૂક્યો હોવા છતાં રાજ્યમાં એકાદ બે સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં સિવાય કોઇ વરસાદી માહોલ જોવા મળી રહ્યો નથી. વાદળછાયું વાતાવરણ સર્જાઇ રહ્યું છે પરંતુ ગરમી અને ઉકળાટ યથાવત રહી છે. અમદાવાદ સહિતના શહેરોમાં 40 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાઇ રહ્યું છે અને આગામી સાત દિવસ આ જ પ્રકારનુ હવામાન રહી શકે છે. જોકે 17 અને 18 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે.

આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, આજે 16 જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે 17 અને 18 જૂનના રોજ સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ છૂટાછવાયા સ્થળોએ નોંધાઇ શકે છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહી શકે છે.

naidunia_image

ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહી શકે

રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અનેક શહેરોમાં જોવા મળી રહ્યું છે. જોકે ચોમાસું આવવામાં હજી વિલંબ થતો હોવાથી રાજ્યમાં એકાદ બે સ્થળોએ વરસાદી ઝાપટાં વરસ્યા હોવાના અહેવાલ છે એ સિવાય કોઇ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી નથી. હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે એટલે કે હાલ જે 40 ડિગ્રીની આસપાસ ગરમી નોંધાઇ રહી છે તેની આસપાસ આગામી સાત દિવસ મહત્તમ તાપમાન રહી શકે છે.

naidunia_image

ચોમાસું મહારાષ્ટ્ર અને બિહાર તરફ આગળ વધ્યું

નૈઋત્યનું ચોમાસું હાલ સોલાપુર, હૈદરાબાદ અને રાંચી થઈને આગળ વધી રહ્યું છે, જેના કારણે આગામી 4 થી 5 દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને બિહારના વધુ વિસ્તારોમાં ચોમાસાના આગમન માટેની સાનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, ચોમાસાની ઉત્તરીય મર્યાદા અત્યારે હરનાઈ અને મુઝફ્ફરપુર જેવા ક્ષેત્રોને સ્પર્શી રહી છે. મધ્ય અરબી સમુદ્ર સહિત તેલંગાણા, ઓડિશા અને ઝારખંડના બાકીના ભાગોમાં પણ ટૂંક સમયમાં ચોમાસું સક્રિય થાય તેવી શક્યતા છે.

18 જૂનથી દેશના નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા

પંજાબથી બિહાર સુધી ફેલાયેલા મોસમી ટ્રફ અને નીચલા સ્તરે ફૂંકાતા દક્ષિણ-પશ્ચિમી પવનોને કારણે ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. 18 જૂન, 2026થી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યો પ્રભાવિત થશે. બીજી તરફ, પાકિસ્તાન અને રાજસ્થાન સરહદે અગાઉ સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે નબળું પડ્યું છે.