અંબાલાલ પટેલની આગાહીઃ ચોમાસાની વિદાય પછી પણ ગુજરાતના હવામાનમાં પલટો આવશે, 25 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે

18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહશે. જેથી ડિસેમ્બરની શરૂઆત સુધી સિમિત વિસ્તારમાં જ ઠંડીનો અહેસાસ થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 16 Sep 2025 05:57 PM (IST)Updated: Tue, 16 Sep 2025 05:57 PM (IST)
gujarat-weather-forecast-ambalal-patel-agahi-for-monsoon-farewell-and-winter-welcome
HIGHLIGHTS
  • 22 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદની વકી
  • આજે 13 તાલુકામાં વરસાદઃ વલસાડના કપરાડામાં સૌથી વધુ 62 મિ.મી

Ambalal Patel Agahi: દેશમાં નૈઋત્યના ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો કે બંગાળના ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાતમાં 22 સપ્ટેમ્બર સુધી અલગ-અલગ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 13 જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં તાપમાનનો પારો ઊંચકાતા ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાની વિદાય અને ગુજરાતમાં શિયાળામાં ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળની સિસ્ટમના કારણે આવતીકાલથી આગામી 5 દિવસ સુધી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા પડી શકે છે. હાલ દેશમાં ચોમાસાની વિદાયના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આગામી 23 સપ્ટેમ્બર સુધી ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસાની પીછેહઠ થઈ શકે છે. જ્યારે ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી હશે.

ચોમાસાની વિદાય છતાં બંગાળના ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાતમાં વાદળવાયું અને વરસાદની શક્યતા રહેશે. જેમાં 10 ઓક્ટોબર બાદ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. ઓક્ટોબર મહિનામાં દરિયા કિનારે પવનનું જોર વધારે રહશે.

25 ડિસેમ્બરથી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે

18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહશે. જેથી ડિસેમ્બરની શરૂઆત સુધી સિમિત વિસ્તારમાં જ ઠંડીનો અહેસાસ થશે. જો કે 22 ડિસેમ્બરે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેના પરિણામે 25 ડિસેમ્બરથી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે. આ દરમિયાન ન્યૂનતમ તાપમાન 8 થી 10 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. આટલું જ નહીં, ઉત્તરાયણ પછી પણ ઠંડીના ચમકારાનો અનુભવ થશે.

ગુજરાતના 13 તાલુકામાં અઢી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો

આજે સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધી ગુજરાતના 13 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 62 મિ.મી (2.4 ઈંચ) ખાબક્યો છે. આ સિવાય તાપીના વ્યારામાં 37 મિ.મી અને વાલોદમાં 24 મિ.મી વરસાદ વરસ્યો છે.