Gujarat University Recruitment: ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક સહિતની બિન-શૈક્ષણિક કર્મચારીઓની 106 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. જે માટે હવે મુખ્ય પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક સહિતની બિન-શૈક્ષણિક કર્મચારીઓની 106 જગ્યાઓ માટે ગત 14 અને 15 માર્ચના રોજ પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં કુલ 4,341 ઉમેદવારો સફળ થયા હતા. સફળ થયેલા આ ઉમેદવારો હવે આ મુખ્ય પરીક્ષા આપશે. આગામી 29 અને 30 એપ્રિલના રોજ બીજા તબક્કાની એટલે કે મુખ્ય પરીક્ષા (મેઈન્સ) લેવામાં આવશે.
કઈ તારીખે કઈ પોસ્ટની પરીક્ષા લેવાશે?
ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર શિડ્યુલ મુજબ પરીક્ષા બે દિવસ ચાલશે.
- 29 એપ્રિલ: સિનિયર જ્ઞર્માસિસ્ટ, ટેલિફોન ઓપરેટર, લેડી મેડિકલ ઓફિસર, યુનિવર્સિટી ઈજનેર, એકાઉન્ટ ઓફિસર, ટેકનિકલ આસિસ્ટન્ટ-લાઇબ્રેરી, સિક્યુરિટી ઓફિસર, કમ્પાઉન્ડર, લેબોરેટરી આસિસ્ટન્ટ અને કી પંચ ઓપરેટરની કુલ 11 જગ્યાઓ માટેની પરીક્ષા લેવાશે.
- 30 એપ્રિલના રોજ: જુનિયર અને સિનિયર ક્લાર્કની 95 જગ્યાઓ માટેની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. નોંધનીય છે કે જુનિયર અને સિનિયર ક્લાર્કની પ્રિલિમ્સમાં જ સૌથી વધુ 4,311 ઉમેદવારો સફળ થયા હતા.
આ પણ વાંચો: Ahmedabad: મણિનગર રેલવે ટ્રેક ઉપર 1360 મેટ્રિક ટનના બીમનું લોન્ચિંગ, અશ્વિની વૈષ્ણવે શેર કર્યો વિડિયો
મેરીટ માટે સમાન ગુણના કિસ્સાનો નિયમ
આ મુખ્ય પરીક્ષામાં ઉમેદવારોના મેરિટ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખાસ નિયમો ઘડવામાં આવ્યા છે. જો કોઈ એક સમાન કેડરમાં ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં એક સરખા ગુણ પ્રાપ્ત થશે, તો પ્રિલિમ્સના માર્કસ ધ્યાને લેવાશે. જો પ્રિલિમ્સના માર્કસ પણ એક સમાન હશે, તો ત્યારબાદ નીચે મુજબના માપદંડોને આધારે નિર્ણય લેવાશે.
- કોલેજના છેલ્લા વર્ષના ગુણ
- ત્યારબાદ ધોરણ-12ના માર્કસ
- જો આ તમામ સંજોગોમાં પણ પરિણામ એક સમાન જણાશે, તો અંતે ઉમેદવારની ઉંમરને ધ્યાને રાખીને જન્મ તારીખના આધારે મોટી ઉંમરના ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.
પરીક્ષા આપવા માટે જતા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા માટેની હોલ ટિકિટ અને પરીક્ષા કેન્દ્રની વિગતો યુનિવર્સિટી દ્વારા સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને નિયમિતપણે યુનિવર્સિટીની વેબસાઈટ જોતા રહેવાની સલાહ આપવામાં આવે છે.
