Ahmedabad Mumbai Bullet Train Project: નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણમાં વધુ એક મોટી એન્જિનિયરિંગ સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદના મણિનગર ખાતે કાર્યરત રેલવે લાઇન પર આશરે 1360 મેટ્રિક ટન વજન ધરાવતા દેશના સૌથી ભારે 'પ્રીકાસ્ટ-પ્રેસ્ટ્રેસ્ડ પોર્ટલ બીમ' (ગર્ડર)નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
3.5 કલાકમાં રેકોર્ડ કામગીરી
સામાન્ય રીતે આ પ્રકારની જટિલ કામગીરી માટે લાંબા સમયના આયોજન અને બ્લોકની જરૂર પડતી હોય છે. અગાઉ આ પ્રોજેક્ટ માટે 9 કલાકના બ્લોક અને લગભગ 6 મહિના સુધી ટ્રેનોની ગતિ ધીમી રાખવા માટે કૉશન ઓર્ડર આપવાની યોજના હતી. જોકે, એન્જિનિયરોની કુશળતા અને સચોટ આયોજનને કારણે આ સમગ્ર પ્રક્રિયા માત્ર 3.5 કલાકના ટ્રાફિક અને પાવર બ્લોકમાં જ પૂર્ણ કરી દેવામાં આવી હતી, જેનાથી મુસાફરોને થતી અગવડતામાં મોટો ઘટાડો થયો છે.
ટેકનિકલ પાસાઓ અને આધુનિક મશીનરી
- પરિમાણ: આ પોર્ટલ બીમ 34 મીટર લાંબો છે અને તેનું કદ 5.5 મીટર x 4.5 મીટર છે.
- ક્રેન ટેકનોલોજી: આ વિશાળ ગર્ડરને ઉપાડવા માટે 2200 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતી જાયન્ટ ક્રોલર ક્રેનનો ઉપયોગ થયો હતો. તેની સહાય માટે 260 ટન અને 80 ટનની વધારાની ક્રેન્સ પણ કાર્યરત હતી.
- સુરક્ષા સાધનો: બીમના સ્થિરીકરણ માટે 75 મિમી વ્યાસના પ્રેસ્ટ્રેસ્ડ મેકએલોય બાર અને હેવી-ડ્યુટી સ્લિંગ્સનો ઉપયોગ કરાયો હતો.
પડકારો અને ચોકસાઈ
આ કામગીરીમાં અનેક પડકારો હતા:
વ્યસ્ત રૂટ: અમદાવાદ-વડોદરા રેલવે લાઇન દેશના સૌથી વ્યસ્ત રૂટ પૈકીનો એક છે, જ્યાં સતત ટ્રેનોની અવરજવર રહે છે.
મર્યાદિત જગ્યા: મણિનગર જેવા ગીચ વિસ્તારમાં અને સક્રિય ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયરો (OHE)ની વચ્ચે 15 મીટરની ઊંચાઈએ બીમને ગોઠવવો અત્યંત જોખમી હતો.
ચોકસાઈ: 1360 ટનનો ભાર હોવા છતાં તેને મિલીમીટરની ચોકસાઈ (Precision) સાથે પિયર (થાંભલા) પર બેસાડવો જરૂરી હતો.
One of the heaviest girders launched successfully
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 8, 2026
🏗️ Weighing ~1,360 metric tonnes
⏱️ Launched in just 3.5 hours
📍Bullet train project, Maninagar, Gujarat pic.twitter.com/FBX3mhf96Z
ભવિષ્યનું આયોજન
NHSRCLના જણાવ્યા અનુસાર, મણિનગર સેક્શનમાં આવા કુલ 5 પોર્ટલ બીમ સ્થાપિત કરવામાં આવશે. આ બીમ એવા સ્થાનો પર બનાવવામાં આવે છે જ્યાં બુલેટ ટ્રેનનો રૂટ હાલની ભારતીય રેલવે લાઇન ઉપરથી પસાર થતો હોય.
