Neerja Gupta Case: ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના 2023 થી 2026 સુધીના સત્તાકાળ દરમિયાન થયેલી નાણાકીય ગેરરીતિ, અનિયમિતતા અને ગુજરાત યુનિવર્સિટીના સરકારી ભંડોળના દુરુપયોગ અંગેના એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સરકારી ખર્ચે લિપસ્ટિક, સોના-ચાંદીના દાગીના અને મોંઘા કપડાં ખરીદવા તથા પોતાના જ પુત્રના એકાઉન્ટમાં સરકારી ગ્રાન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કરવા અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ખોટી રીતે ફાળવી દીધાના ગંભીર આરોપ છે.
સરકારી ખર્ચે મોંઘા કપડાં અને સોના-ચાંદીની ખરીદી
ડૉ. નીરજા ગુપ્તાનો કુલપતિ તરીકેનો કાર્યકાળ 30 જૂન 2026 ના રોજ પૂર્ણ થયો હતો. પરંતુ કાર્યકાળના અંતિમ બે મહિનામાં જ તેમણે સરકારી ખર્ચે મોટા પાયે ખરીદી કરી લીધી હતી. તેમણે સરકારી ખર્ચે દુબઈ અને અમેરિકાના વિદેશ પ્રવાસ દરમિયાન કોસ્મેટિક્સ અને અંગત કપડાંની ખરીદી કરી હતી. આ ઉપરાંત સરકારે મંજૂરી આપવાની ના પાડી હોવા છતાં વધુ એક વિદેશ પ્રવાસનો ખર્ચ પણ સરકાર પર નાખવામાં આવ્યો હતો.
પોતાના કાર્યકાળમાં છેલ્લા બે મહિના દરમિયાન તેમણે ₹6 હજારનું બ્લાઉઝ, ₹ 11 હજારની કુર્તી સહિત કુલ ₹59,350 ની ખરીદી કરી તથા ₹3.19 લાખની કિંમતનું સોના-ચાંદી ખરીદ્યું હતું. નવરંગપુરા સ્થિત બંધેજ સ્ટોરમાંથી 5 અલગ-અલગ બાંધણીઓ ખરીદવામાં આવી હતી, જેના નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવાયા હતા.
17 જૂન 2026 ના રોજ સી.જી. રોડ પર આવેલી 'ચાંદીધામ' નામની દુકાનમાંથી 548 ગ્રામ અને 303 ગ્રામ (કુલ 851 ગ્રામ) વજન ધરાવતા ચાંદીના 3 અલગ-અલગ દાગીના રૂ. 2,29,175 માં ખરીદવામાં આવ્યા હતા. આ બિલ IKS અને SAPના નામે બનાવી 22 જૂન 2026 ના રોજ સિલ્વર પેલેસ પ્રાઇવેટ લિમિટેડના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાયા હતા.
'સ્ટડી અબ્રોડ પ્રોગ્રામ' ખાતામાંથી અંગત બિલ પાસ
આ તમામ ખરીદી સામે કોઈને શંકા ન જાય તે માટે ડૉ. નીરજા ગુપ્તાએ યુનિવર્સિટીના મુખ્ય એકાઉન્ટ વિભાગમાં બિલ મૂકવાને બદલે 'સ્ટડી અબ્રોડ પ્રોગ્રામ' (SAP) હેઠળ બીલ પાસ કરાવી લીધા હતા. આ વિભાગ પર તેમનો સીધો કંટ્રોલ હોવાથી તેમણે તમામ અંગત ખરીદીની રકમ યુનિવર્સિટીના ખાતામાંથી પોતાના ખાતામાં મેળવી લીધી હતી.
ગ્રાન્ટમાંથી ₹14 કરોડનો ગફલો અને ₹32 કરોડનું કામ
ડૉ. નીરજા ગુપ્તા સામે મોટા નાણાકીય કૌભાંડના આરોપ પણ મૂકવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી જાહેર વિકાસ કાર્યક્રમ (PMJVK) હેઠળ મળેલા ₹16.50 કરોડમાંથી ₹14 કરોડ તેમણે પોતાના ખાતામાં જમા કરાવી દીધા હતા. મામલો બહાર આવતાં તેમણે પ્રોજેક્ટ સુપરવાઈઝર તરીકે રાજીનામું આપ્યું અને ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) દ્વારા ₹14 કરોડ પરત કર્યા હતા. જ્યારે બાકીના ₹2.50 કરોડનું ઓડિટ હાલ ચાલુ છે.
પોતાના પુસ્તકની 1000 નકલ યુનિવર્સિટીને વેચી દીધી
18 જૂન 2026 ના રોજ પોતાના કાર્યકાળના અંતિમ દિવસોમાં તેમણે પોતાના જ લખેલા પુસ્તક "કોમ્પ્રિહેન્સિવ ઈન્ડિયન રિસર્ચ મેથોડોલોજી" ની 1000 નકલ યુનિવર્સિટીને વેચી દીધી હતી. આ માટે પ્રભાત પ્રકાશનને રૂ. 4.25 લાખ ચૂકવવામાં આવ્યા હતા. વિશેષ બાબત એ છે કે ડૉ. નીરજા ગુપ્તા દ્વારા જ નિમણૂક કરાયેલા પ્રોફેસર સોનલ મલ્હોત્રાએ માત્ર આઠ વિદ્યાર્થીઓ માટે આ પુસ્તકોનો ઓર્ડર આપ્યો હતો.
ખોટી ભરતીઓ, બે-બે પગાર અને હોદ્દાઓનો દુરુપયોગ
આ ઉપરાંત ભૂતપૂર્વ કુલપતિ સામે અન્ય અનેક ગંભીર આરોપો જોડાયેલા છે. જેમાં અધિકારીઓની મનફાવે તેમ લાખો રૂપિયાના પગારે નિયમ વિરુદ્ધ ભરતી કરવી, પોતાના માટે વધારાના પદો ઊભા કરીને યુનિવર્સિટી ભંડોળમાંથી દર મહિને રૂ. 4.25 લાખ મેળવવા સહિત પોતે એકસાથે બે-બે પગાર મેળવવા સામેલ છે. આ ઉપરાંત ઊંચા અને મોંઘા પેકેજ પર પ્રોફેસરોની નિમણૂક કરાવી હોવાનો પણ આરોપ છે.
આ ઉપરાંત ભૂતપૂર્વ કુલપતિ ડો. નીરજા ગુપ્તા સામે અન્ય અનેક ગંભીર આરોપો જોડાયેલા છે. જેમાં અધિકારીઓની મનફાવે તેમ લાખો રૂપિયાના પગારે નિયમ વિરુદ્ધ ભરતી કરી, પોતાના માટે વધારાના પદો ઊભા કરીને યુનિવર્સિટી ભંડોળમાંથી દર મહિને રૂ. 4.25 લાખ મેળવવા સહિત પોતે એકસાથે બે-બે પગાર મેળવવા સામેલ છે. આ ઉપરાંત ઊંચા અને મોંઘા પેકેજ પર પ્રોફેસરોની નિમણૂક કરાવી હોવાનો પણ આરોપ છે.
ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા તપાસ
ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ જગદીશ જોશીના જણાવ્યા અનુસાર, આ તમામ ચોંકાવનારા પુરાવા, ગેરરીતિઓ અને નાણાકીય વ્યવહારોની તપાસ ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દીપક વ્યાસને સોંપવામાં આવી છે. નિવૃત્ત ન્યાયાધીશનો તપાસ અહેવાલ આવ્યા બાદ આ કેસમાં કાનૂની કાર્યવાહી અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.
