Ahmedabad News: અમદાવાદની જાણીતી ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરિતીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર ઘટના બનવા જઈ રહી છે. જેમાં યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર લાગેલા આક્ષેપોની તપાસ ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજને સોપવામાં આવી છે.
પૂર્વ કુલપતિ સામે ફરિચાદો મંગાવાઈ
ગુજરાત યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડો. જગદીશ જોશીના આદેશથી હાઈકોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં સત્ય શોધક સમિતિ હેઠળ તપાસ શરુ કરાઈ છે. યુનિવર્સિટીએ તપાસ કામગીરીના ભાગરુપે જાહેરમાં ફરિયાદો મંગાવી છે. આ ફરિયાદ મંચનો ઉદ્દેશ્ય એ છે કે, કોઇ પણ વ્યક્તિ કે સંગઠન પૂર્વ કુલપતિ સામે રજૂઆત કે ફરિયાદ કરી શકે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર સત્તાવાર નોટિસ મુકવામાં આવી છે.
નોટિસથી શિક્ષણ જગતમાં ચર્ચા
આ નોટિસ અંગે સમગ્ર યુનિવર્સિટી કેમ્પસ સહિત શિક્ષણ જગતમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટમાં નોટિસ પ્રમાણે, 1 જુલાઈ 2023થી 30 જૂન 2026 દરમિયાન યુનિવર્સિટીમાં થયેલી નિમણૂક અને ખર્ચાઓ અંગે હાઇકોર્ટના રિટાયર જજની આગેવાનીમાં કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે.
ઈન્ચાર્જ કુલપતિના આદેશથી તપાસ
જો કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે સંગઠનને કોઈ રજૂઆત કે ફરિયાદ કરવી હોય તો લેખિતમાં આધાર કાર્ડની નકલ સાથે ગુજરાત યુનિવર્સિટીની અટલ કલામ બિલ્ડીંગમાં 30 ઓક્ટોબર સુધીમાં રુબરુમાં આવીને ફરિયાદની નકલ સુપરત કરવા અંગે જણાવવામાં આવેલ છે. પૂર્વ કુલપતિ પર લાગેલા ગંભીર આક્ષેપોની તપાસના હેતુથી ઇન્ચાર્જ કુલપતિના આદેશથી નોટિસ આપવામાં આવી છે.
