અમિત શાહનો હુંકારઃ 31 ડિસેમ્બર 2028 પહેલા ગુજરાતને ડ્રગ્સ ફ્રી બનાવાશે; ક્યાંય વેચાતું હોય તો 1033 નંબર પર જાણ કરજો, વેચનારાઓ સામે આકરા પગલા લેવાશે

આસપાસ ક્યાંય ડ્ર્ગ્સનું સેવન કે વેચાણ થતું હોય તો 1033 નંબર પર ફોન કરી 1 ડિસેમ્બર પછી લખાવી દેજો. ડ્રગ્સનું વેચાણ કરનારાઓ પર કડકમાં કડક કાર્યવાહી કરી જેલના સળિયાઓની પાછળ ધકેલી દેવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 09 Nov 2026 01:43 PM (IST)Updated: Mon, 09 Nov 2026 02:09 PM (IST)
gujarat-sets-drugfree-target-for-2028-amit-shah-appeals-to-public-to-report-drug-sales

Amit Shah Gujarat Drug Free Mission: કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી તથા લોકસભાના સાંસદ અમિત શાહે આજે અમદાવાદમાં 1400 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું. જે દરમિયાન તેમણે ડ્રગ્સ ફ્રી ગુજરાત બનાવવા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ક્યાંય પણ ડ્રગ્સ વેચાતું હોય કે લેવાતું હોય તો 1લી ડિસેમ્બર પછી 1033 નંબર પર જાણ કરી દેજો. સરકાર આકરામાં આકરા પગલા ભરશે. 2029માં ભારત અને 31 ડિસેમ્બર 2028 પહેલા ગુજરાતને ડ્રગ્સ ફ્રી બનાવવામાં આવશે.

ગુજરાતને ડ્રગ્સ ફ્રી, નશામુક્ત બનાવવાની ચર્યા થઇ

આ અંગે વાત કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, આજે અમદાવાદ અને ગુજરાતના રહિશોએ એક વાત કરવા માગુ છું કે કાળી ચૌદશના દિવસે ગુજરાત અને ભારત સરકારના ગૃહ વિભાગની સંયુક્ત બેઠક મળી હતી. જેમાં ત્રણ કાયદાનો અમલ અને અનેક પ્રકારના ગૃહ વિભાગના આધુનિકરણની ચર્ચા થઇ હતી. જેમાં સૌથી અગત્યની ચર્ચા ગુજરાતને ડ્રગ્સ ફ્રી, નશામુક્ત બનાવવાની ચર્યા થઇ છે. 1033 ફ્રી ડાયલ કરી શકાય તેવો નંબર છે. તેના પર 1લી ડિસેમ્બર પછી ક્યાંય પણ ડ્રગ્સની પડીકી વેચાણ હોય બધના નાગરિકોને મારી ખાતરી છેકે આ નંબર પર લખાવી દેજો. ભૂપેન્દ્ર પટેલની સરકાર ડ્ર્ગ્સ વેચનારાઓને જેલની પાછળ ધકેલી દેશે.

તેમણે ઉમેર્યું હતું કે, આ નશો આપણા જુવાનિયાઓ અને આપણા દેશની આવનારી પેઢીને ખોખલી કરવાનું કામ કરે છે. આ નશો આપણા દેશના ભવિષ્યને બરબાદ કરવાનું કામ કરે છે. આ નશો આપણા જુવાનિયાઓનું શરીર, મગજ, વિચારવાની, સાંભળવાની ક્ષમતા, ધ્યાન રાખવાની ક્ષમતા ડાયલુટ કરી નાંખે છે. આ નશામાંથી કમાયેલા પૈસાથી દેશમાં આતંકવાદ ફેલાવવાનું કામ થાય છે. આપણે નકસલવાદ મુક્ત દેશ કર્યો પરંતુ આપણે 31 ડિસેમ્બર 2029 સુધીમાં નશામુક્ત ભારતની રચના કરવાનું કામ આપણે કરવાનું છે.

31 ડિસેમ્બર 2028 પહેલા ગુજરાતને ડ્રગ્સ ફ્રી બનાવીશું

અમિત શાહે વધુમાં જણાવ્યું કે, હું ગુજરાતથી, વડાપ્રધાન ગુજરાતથી આવે છે. ગુજરાતે 2029 સુધી રાહ જોવાની નથી. આપણે ગુજરાતને 31 ડિસેમ્બર 2028 પહેલા ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરાવવાની જવાબદારી લેવાની છે. ભારત કે ગુજરાત સરકાર એકલા આ લડાઇ ન લડી શકે. દરેક શિક્ષકની જવાબદારી છે. તેમના વર્ગમાં બાળકના વર્તણુકમાં ફેરફાર દેખાય. આખો લાલ હોય, બેઠા બેઠા ઉંઘ્યા કરે, ધ્યાન ન રાખી શકતો હોય તો તેનો ટેસ્ટ કરાવવાની જવાબદારી તેના વાલીઓની અને શિક્ષકોની છે. દરેક વાલીએ પોતાના કિશોરવયના બાળકોને ધ્યાનથી નજર રાખવાની છે.

ડ્ર્ગ્સનું વેચાણ થતું હોય તો 1033 નંબર પર ફોન કરી 1 ડિસેમ્બર પછી લખાવી દેજો

કેન્દ્રિય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, નાગરિકોને પણ જવાબદારી છે કે આસપાસ ક્યાંય ડ્ર્ગ્સનું સેવન કે વેચાણ થતું હોય તો 1033 નંબર પર ફોન કરી 1 ડિસેમ્બર પછી લખાવી દેજો. તમારું નામ ક્યાંય જાહેર નહીં થાય. ડ્રગ્સનું વેચાણ કરનારાઓ પર કડકમાં કડક કાર્યવાહી કરી જેલના સળિયાઓની પાછળ ધકેલી દેવામાં આવશે. ડ્રગ્સ ફ્રી ગુજરાત અને ડ્રગ્સ ફ્રી ભારત બનાવવાની જવાબદારી આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. હું આજે નાગરિકોને અપીલ કરવા આવ્યો છું. ગુજરાત અને ભારત સરકાર બધી જ વ્યવસ્થા કરવાની છે. ભારત સરકારના ગૃહ વિભાગે બીડુ ઝડપ્યું છે. 31 ડિસેમ્બર 2029 પહેલા ડ્રગ્સ સમાપ્ત કરવાની. તેમાં સફળ થઉં એ આપણા સૌની સામુહિક જવાબદારી છે.

જો આજે શરમાઇશું તો કાલે આપણું સંતાન ખોઇ બેસીશું

અમિત શાહે નાગરિકોને અપીલ કરતા કહ્યું કે, 1033નો કંટ્રોલ રૂમ 1લી ડિસેમ્બર પહેલા ગુજરાતમાં બની જશે. 1લી ડિસેમ્બર પછી આસપાસમાં જ્યાં પણ ડ્રગ્સનું વેચાણ થતું હોય તેની જવાબદારી નાગરિકોની, શિક્ષકોની, વાલીઓની છે. તેની સાથે સાથે જે યુવાનોને આની આદત પડી છે. તેમને આદતમાંથી મુક્ત કરાવવા માટેના સેન્ટરો પણ બનાવવામાં આવવાના છે. કોઇએ શરમાવવાની જરૂર નથી. જો આજે શરમાઇશું તો કાલે આપણું સંતાન ખોઇ બેસીશું. શરમાયા વગર સારવાર કરવી પડે. આપણા ઘરના બાળકનું નામ ક્યાંય બહાર નહીં આવે. પણ તેને ડ્ર્ગ્સ ફ્રી કરવાની વ્યવસ્થા કરવી પડે. તેની પણ વ્યવસ્થા આખું ઝાળું ગુંથવાની શરૂઆત કાળી ચૌદશના દિવસે આપણે કરી દીધી છે.

ફોન કર્યાના ત્રણ કલાકમાં કાર્યવાહી કરવામાં આવશે

તેમણે વધુમાં કહ્યું છેકે, કાળી ચૌદશ એટલા માટે પસંદ કરી છે કે ડ્ર્ગ્સનો વેપાર કરવા માટે એ દિવસ ખૂબ કાળો દિવસ સાબિત થવાનો છે. હું ન્રમતા સાથે સમગ્ર ગુજરાતના નાગરિકોને અપીલ કરું છું કે, 1033 હેલ્પલાઇનનો ઉપયોગ કરીએ. 1 ડિસેમ્બર પછી જેટલી સુચનાઓ મળશે ત્રણ કલાકમાં જ તેના પર કાર્યવાહીની વ્યવસ્થા થઇ જશે. આખું વૈજ્ઞાનિક તંત્ર ગુજરાત અને ભારત સરકારે ગોઠવ્યું છે. મારી વિંનતી છે કે ડ્રગ્સ ફ્રી ભારત પહેલા ડ્ર્ગ્સ ફ્રી અમદાવાદ અને ડ્રગ્સ ફ્રી ગુજરાત બનાવવાની કાર્યવાહી આપણે ચાલુ કરવી પડશે. એકવાર ક્યાં પડીકી વેચાય છે તેની માહિતી આપી દેજો તેના આકાઓ અને તેમના બાપ-દાદા બધાને શોધી શોધી જેલમાં નાખવાની વ્યવસ્થા અમે કરી છે. સરકારે જે કરવાનું તેમાં સરકાર એકપણ પાછીપાની નહીં કરે પણ નાગરિકોના સહયોગ વગર આ કરી ન શકાય.