Ahmedabad News: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ આજે અમદાવાદમાં 5 જેટલા મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે અને વિવિધ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. આજે સવારે તેમણે સરખેજ અને ઇસ્કોન વચ્ચે નિર્મિત નવા ઓવરબ્રિજને ખુલ્લો મુક્યો છે. આ બ્રિજથી સરખેજ-ગાંધીનગર જતા-આવતા વાહનચાલકોને ફાયદો થશે. આજે તેઓ નોલેજ હબ સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર અને આવાસ યોજનાના લોકાર્પણ કરશે. 10 નવેમ્બર 2026ના રોજ નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત કાર્યક્રમમાં પણ હાજરી આપશે, જ્યાં તેઓ લોકોને મળશે અને મંગલકામના વ્યક્ત કરશે.
નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે
આજે 9 નવેમ્બરના રોજ અમિત શાહ ઇસ્કોનથી સાણંદ સુધીના નેશનલ હાઈવે પર નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. આ બ્રિજ જોધપુર વિસ્તારમાં ઇસ્કોન બ્રિજ પાસે આવેલો છે, જે ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં મદદ કરશે. ત્યારબાદ, તેઓ સેટેલાઇટ વિસ્તારમાં આવેલા શ્રીનાથ ફાઉન્ડેશનના સહયોગથી AMC દ્વારા નિર્મિત નોલેજ હબ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ સેન્ટર વિદ્યાર્થીઓ અને જ્ઞાનપિપાસુઓ માટે એક મહત્વનું કેન્દ્ર બનશે.
શહેરીજનોને મળશે નવી સુવિધાઓનો લાભ
ગોતાના સાયન્સ સિટી રોડ પર આવેલા AMC દ્વારા નવનિર્મિત અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાશે. આ સેન્ટર સ્થાનિક રહીશોને નજીકમાં જ આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડશે. સવારે 11:45 કલાકે સ્ટેડિયમ વોર્ડના સેક્ટર-05માં આવેલા રામાપીરના ટેકરાના પુનઃવિકસિત આવાસનું પણ લોકાર્પણ થશે, જે અનેક પરિવારોને આધુનિક રહેઠાણ પૂરું પાડશે.
અમિત શાહ વાડજમાં GSRTC કોમ્પ્લેક્સ સામે, ગાંધી આશ્રમની બાજુમાં આવેલા ગ્રા શાળા ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટેના સંયુક્ત કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં શહેરના વિકાસના અનેક પ્રોજેક્ટ્સનો શુભારંભ થશે.
નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ પણ યોજશે
10 નવેમ્બર 2026, મંગળવારના રોજ નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ પણ યોજશે. આ કાર્યક્રમ સવારે થલતેજ, અમદાવાદમાં જલસા પાર્ટી પ્લોટની પાછળ આવેલા 16, રોયલ ક્રિસન્ટ બંગ્લો ખાતે યોજાશે. આ દરમિયાન તેઓ લોકોને મળીને નૂતન વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે અને મંગલકામના વ્યક્ત કરશે.
