RTO online services: ગુજરાત સહિત અમદાવાદના આરટીઓમાં વાહનચાલકોને સુવિધાઓ મળી રહે તે માટે નવી વ્યવસ્થા લાગુ કરાઈ છે. આગામી 15 સપ્ટેમ્બરથી RTOમાં સ્પેશિયલ પરમિટ, ટેમ્પરરી પરમિટ અને પરમિટ સરેન્ડર જેવી 10 સેવાઓને ઓટો એપ્રુવલ મોડ અને ઓનલાઇન મોડ પર શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ નવા લાઈસન્સ અને ટેસ્ટ માટે વાહનચાલકે આરટીઓએ જવું પડશે, આ નવી વ્યવસ્થા લાગુ થતાં વાહનચાલકોને મોટી રાહત થશે.
નવી વ્યવસ્થાથી અરજદારોને ફાયદો
અમદાવાદના સુભાષબ્રિજ સહિતની 3 કચેરીઓમાં રોજના 1500 અરજીકર્તાઓ ધક્કા ખાય છે. પરંતુ આધાર કેવાયસીથી સેવાઓ કોન્ટેક્ટલેન્સ બનતાં અરજદારોને હાલાકી નહીં ભોગવવી પડે.આરટીઓમાં અરજી દરમિયાન અરજદારોને હેરાન થતાં હતા. તેમની અરજીને મંજૂરી મળે તે માટે ઈન્સ્પેક્ટરની રાહ જોવી પડતી હતી. પરંતુ નવી વ્યવસ્થા પ્રમાણે, ઈ કેવાયસી કોન્ટેક્ટલેસ પદ્ધતિથી અરજદાર અરજી કરશે, જરુરી ફી અને દસ્તાવેજ અપલોડ કરે ત્યારે તેને ઓટોમેટિક એપ્રુવલ મળી જશે, પરંતુ અરજદારોએ ઓટો એપ્રુવલ મેળવવા માટે તેમના ડોક્યુમેન્ટસમાં નામ સરખા હોય તે અનિવાર્ય છે.
કઈ કઈ સેવાઓ ઘેર બેઠા મેળવી શકાશે
તમામ આરટીઓમાં લાગુ થનારી વ્યવસ્થામાં વાહનમાલિકો અને અરજદારો ઘેર બેઠા સુવિધાનો લાભ મેળવી શકશે. આ સુવિધાઓ પરમિટ ટ્રાન્સફર, માલિકી હક ટ્રાન્સફર, એનઓસી, ડીલર ટ્રાન્સફર રદ,આ તમામ સુવિધાઓ ઘેર બેઠા મેળવી શકશે, જ્યારે વિદેશી લાયસન્સ, લાઇસન્સમાં બીજી કેટેગરીનું વાહન ઉમેરવું, નવું લાયન્સ અને ટેસ્ટ ફિટનેસ ચેક, નવા વાહનોના દસ્તાવેજોની કામગીરી માટે વાહનચાલકે રુબરુ આરટીઓએ જવું પડશે.
RTOની કામગીરી ઝડપી બનશે
15 સપ્ટેમ્બરથી ગુજરાત અને અમદાવાદના આરટીઓમાં નવી વ્યવસ્થા લાગુ થશે. અગાઉ અરજદારો જ્યારે કામચલાઉ પરમિટ લેવા માટે અરજી કરતાં ત્યારે એકથી બે દિવસનો સમય લાગતો હતો. નવી વ્યવસ્થા લાગુ થવાથી નિશ્ચિત સમયગાળામાં કામચલાઉ પરમિટને ઓનલાઇન મંજૂરી મળી જશે.વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ ખોવાઈ જાય કે ખરાબ થાય તો ઓનલાઇન અરજી કરીને આરટીઓ ઈન્સ્પેક્ટરની મંજૂરી ફરજિયાત પણે લેવી પડતી હતી. નવી વ્યવસ્થામાં ફિટનેસ મેળવવું ખૂબ જ સરળ રહેશે.
પરમિટ સરેન્ડર અને વાહન ટ્રાન્સફરમાં સરળતા
જૂની સિસ્ટમ પ્રમાણે અરજદારે આરટીઓમાં કોમર્શિયલ વાહનોની પરમિટ જમા કરવવાની પ્રક્રિયા આરટીઓ ગયા વગર પૂર્ણ થતી ન હતી. અરજી પૂર્ણ થવામાં સાત દિવસનો સમય વીતી જતો હતો. નવી વ્યવસ્થા પ્રમાણે પરમિટ જમા કરાવવાની પ્રક્રિયા આરટીઓમાં ગયા વગર જ પૂરી થશે. તેમજ વાહનમાલિકનું અવસાન થયું હોય તો પરમિટ ટ્રાન્સફર કિસ્સામાં અઠવાડિયાનો સમય વીતી જતો હતો. નવી વ્યવસ્થામાં વારસદારોના નામે પરમિટ ટ્રાન્સફરની પ્રક્રિયા સુગમતાથી થઈ જશે.
