Parivahan Portal: ગુજરાત સહિત અમદાવાદ શહેરના વાહનચાલકો માટે વાહન વ્યવહાર વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ ડિજિટલ સુવિધા શરુ કરવામાં આવી છે, RTO કચેરીઓમાં વાહનના રજિસ્ટ્રેશનના દસ્તાવેજોમાં મોબાઇલ નંબર બદલાવવા અને અપડેટ કરાવવા માટે ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. જે મુશ્કેલીનો કાયમી ધોરણે અંત આવી ગયો છે. તેમજ તેઓને એજન્ટોની મદદ લેવાની જરુર રહેશે નહી. રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોથી પરિવહન એપ્લિકેશન અને પોર્ટલમા નવા ફીચર્સ ઉમેરીને પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી છે.
પરિવહન પોર્ટલ નંબર અપડેટ કરવાની રીત
ગુજરાતના તમામ વાહનચાલકો માટે તેમના વાહનમાં નોંધાયેલો મોબાઇલ નંબર રાખવો ફરજિયાત છે. જો જૂનો નંબર બંધ થઈ ગયો હોય કે નવો નંબર ઉમેરવો હોય તો વાહનમાલિકો સત્તાવાર વેબસાઈટ parivahan.gov.in પર જવાનું રહેશે,
વાહનચાલક સત્તાવાર પોર્ટલ પર આપેલા ક્યુઆર કોડને સ્કેન કરીને ફ્રન્ટલાઇન ઓનલાઇન સેવાઓ દ્વારા સરળતાથી નવો નંબર રજિસ્ટર કરી શકે છે. સાચો નંબર અપડેટ હોવાથી ટ્રાફિક નિયમભંગ બદલ જનરેટ થતો ઇ-મેમો મેસેજ વાહનચાલકને સમયસર મળી જશે. તેથી ઇ મેમોની સમય મર્યાદા વીતી ગઇ હોવા છતાં વાહન ચાલક કાનૂની કાર્યવાહી અને વધારાના દંડથી બચી શકશે.
ઓનલાઇન પેમેન્ટ અને પેંડિગ ઈ-મેમોની ચકાસણી
વાહનચાલકના વાહન પર કોઇ જૂનો કે નવો ટ્રાફિક મેમો બાકી છે કે નહીં? તે જાણવા માટે પરિવહનના સત્તાવાર પોર્ટલ echallan.parivahan.nic.in પર વિશેષ સુવિધા આપવામાં આવી છે. આ પોર્ટલ પર વાહનમાલિક વાહનના આરસી નંબર, ચાલાન નંબર, ડ્રાઇવિંગ લાયસન્સની વિગતો સબમિટ કરીને પેન્ડિંગ ઈ-ચાલાનની સ્થિતિ જાણી શકે છે. આ નવી સુવિધાની મોટી ખાસિયત એ છે કે, આ પોર્ટલ પરથી વધારાના ચાર્જિસ કે કમિશન વિના સીધા અને સુરક્ષિત માધ્યમથી સરકારી તિજોરીમાં દંડની રકમ ઓનલાઇન જમા કરાવી શકાય છે.
સાયબર ફ્રોડથી બચવા માટે ખાસ અપીલ
વર્તમાન સમયમાં ટ્રાફિક મેમો ભરવાના નામે વાહનચાલકો અને નાગરિકો સાથે ફેક લિંક વાળા SMSની ઓનલાઇન ઠગાઈના કિસ્સા વધી ગયા છે. આથી ટ્રાફિક પોલીસે સાયબર ફ્રોડથી બચવા માટે ટ્રાફિક પોલીસે નાગરિકોને શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવા અને માત્ર સત્તાવાર પોર્ટલ પર ઉપયોગ કરવાની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
