Ahmedabad News: ગુજરાત સરકારના રેવન્યુ વિભાગના કર્મચારીઓની પ્રમોશન, ફિક્સ પે, ટ્રાન્સફર સંબંધિત પ્રશ્નોને પગલે માગણીઓ પડતર હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમની માંગણીઓ ન સંતોષાતા રેવન્યુ કર્મચારીઓ સોમવારે સામૂહિક હડતાળ પર ઉતરી ગયા છે. જેથી અમદાવાદ સહિત સહિત વિવિધ કચેરીઓમાં જનસેવા કેન્દ્ર, જમીન રી-સરવેસ 7-12 સહિતની કામગીરીઓ ઠપ રહેતાં રોજના 5થી 7 હજાર અરજદારોની કામગીરી અટકી જશે.
હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમમાં અપીલ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફિક્સ પેના નિયમને ફગાવી દઈને કર્મચારીઓને કાયમી પગાર આપવાનો આદેશ આપ્યો હતો. જ્યારે આ આદેશ સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. હાલ મહેસૂલી તલાટીને 26 હજારનો ફિક્સ પગાર ચૂકવાય છે. મહિના અગાઉ મહિલા કર્મીઓએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું. જોકે, રાજ્ય સરકારે માગણીઓ સ્વીકાર કરવાનું આશ્વાસન આપીને મામલો થાળે પાડ્યો હતો.
રેવન્યુ વિભાગના કર્મચારીઓએ ઉચ્ચારી ચીમકી
મહેસૂલી કર્મચારીઓની લાંબા સમય સુધી માગણીઓ અંગે કોઈ નક્કર પગલાં ન લેવાતાં કર્મચારી મહામંડળે આંદોલન સક્રિય કર્યું છે. જો હજુ પણ સરકાર આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આગામી 7 ઓક્ટોબર સુધી અચોક્કસ મુદત સુધી રજા પર ઊતારવાની ચીમકી ઉચ્ચારી છે.
સરકારી કામકાજ અટકી જશે
કર્મચારીઓ એક સાથે સામૂહિક રજા પર ઉતરી જતાં જનસેવા કેન્દ્રોમાં આવક, જાતિ, નોન-ક્રીમીલેયરના દાખલા, 7-12, 8-અના ઉતારા, હકપત્રકમાં નામ દાખલ કે કમી કરવાનું કામ, પરવાનગી અને જમીન મહેસૂલી બાબતોની પ્રક્રિયા, સ્ટેમ્પ ડ્યૂટી અને ઈ-ધરા કેન્દ્રની કામગીરી, દસ્તાવેજ નોંધણી, સહિતની કામગીરી અટકી જશે.
કર્મચારીઓની મુખ્ય માગણીઓ
રેવન્યુ વિભાગના કર્મચારીઓની માગણીઓની વાત કરીએ તો:
- જન સેવા કેન્દ્ર માટે અલાયદા મહેકમની મંજૂરી.
- 2023 અને 2026માં દૂરના વિસ્તારોમાં થયેલા ટ્રાન્સફર રદ કરવા.
- 2012ની બેચના નાયબ મામલતદારોને પ્રમોશન.
- નાયબ મામલતદારની નવી એકીકૃત સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવી.
- મહેસૂલી તલાટીઓ પાસેથી અન્ય વિભાગોની કામગીરી તાત્કાલિક દૂર કરવા.
