Gujarat Rain: ગુજરાતમાં ગઈકાલ સાંજથી સતત વરસાદથી જળબંબાકારની સ્થિતિ, હજુ 27થી વધુ જિલ્લમાં ભારે વરસાદની આગાહી

ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પણ પાણી છોડાતા સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ પર ઉમટી પડ્યા છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 07 Sep 2025 12:42 PM (IST)Updated: Sun 07 Sep 2025 12:44 PM (IST)
gujarat-rain-waterlogging-situation-in-gujarat-due-to-continuous-rain-since-yesterday-evening-heavy-rain-forecast-in-more-than-27-districts-598865
HIGHLIGHTS
  • કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, વલસાડ, દમણ, અને દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
  • આ સિવાયના બાકીના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકથી મેઘતાંડવ થઈ રહ્યો છે. જેમાં વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી 178 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સામાન્ય જનજીવન પર ગંભીર અસર પડી છે. અમદાવાદમાં છ સપ્ટેમ્બરની સાંજથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે વાસણા બેરેજમાંથી 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે સાબરમતી નદી ભયજનક સપાટીએ વહી રહી છે. બેરેજના તમામ 27 ગેટ ખોલી દેવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પણ પાણી છોડાતા સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ પર ઉમટી પડ્યા છે.

હવામાન વિભાગનું વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે આગામી સમય માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, વલસાડ, દમણ, અને દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, નવસારી, સુરત, તાપી, અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાયના બાકીના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

10 ગામોમાં પૂરની સ્થિતિ અને કુલ 197 રસ્તાઓ બંધ

વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્ય સચિવ પંકજ જોષીની અધ્યક્ષતામાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરોને એલર્ટ રહેવા અને તમામ જરૂરી પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવા માટે પણ આદેશો અપાયા છે. કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે રાજ્યમાં બાર એનડીઆરએફ અને વીસ એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. વલસાડના કપરાડામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 10.51 ઇંચ વરસાદ નોંધાયો છે. અહીં નદી-નાળા છલકાઈ ગયા છે અને કપરાડા-મહારાષ્ટ્ર બોર્ડર તેમજ દાદરા નગર હવેલીના બોર્ડર પરના માર્ગો બંધ થયા છે. કપરાડાના ગાઢવી અને ગાળવી ગામ સંપર્ક વિહોણા બન્યા છે. આઠથી 10 ગામોમાં પૂરની સ્થિતિ છે અને કુલ 197 રસ્તાઓ બંધ થયા છે.

હિંમતનગરમાં હાથમતી નદીમાં ગુહાઈ જળાશયનું પાણી છોડવામાં આવતા અને હાથમતી જળાશય ઓવરફ્લો થતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. રામપુરથી કાણીયોલ સુધીના ગામોમાં અવરજવર બંધ કરી દેવામાં આવી છે. સાબરકાંઠાના વિજયનગરના પોલો ખાતે હરણાવ નદીમાં પાણી આવતા અમદાવાદના છ યુવકો ફસાયા હતા, જેમને વિજયનગર પોલીસે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર સુધી સાબરમતી નદીનું પાણી પહોંચતા દર્શન બંધ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં વલભીપુરના નસીતપુર ગામે કેરી નદીમાં ઈકો કાર તણાઈ હતી, પરંતુ સરપંચ અને સ્થાનિક તરવૈયાની મદદથી બંને વ્યક્તિઓને બચાવી લેવાયા છે. રાજકોટ જિલ્લાના ભાદર, ડોંડી, અને આજી-ત્રણ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ભાદર ડેમ 70 ટકા ભરાઈ ગયો છે અને ભૂખી, ઉમરકોટ, વેગડી, ગોંડલ જેવા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. ડોંડી ડેમનો એક દરવાજો અને આજી-ત્રણ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે લોધિકા, પડધરી, અને જામનગરના કેટલાક ગામોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે.

વરસાદની આગાહીને પગલે આજે યોજાનારી જીપીએસસીની પરીક્ષાને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્રો પર તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટરોને સૂચન કરવામાં આવ્યું છે જેથી ઉમેદવારો અને પરીક્ષા સંચાલન પર વરસાદની ઓછામાં ઓછી અસર થાય.