Gujarat Rain: ગુજરાતના 63 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો, સુરતમાં ગાજવીજ સાથે પોણા 3 અને પ્રાંતિજમાં દોઢ ઈંચ ખાબક્યો

સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન રાજ્યના 44 તાલુકામાં વરસાદ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 25 Sep 2024 07:19 PM (IST)Updated: Wed, 25 Sep 2024 07:19 PM (IST)
gujarat-rain-update-today-63-taluka-get-rain-across-the-state-till-6-pm-25th-sept

Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસાના છેલ્લા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, જે બાદ ચોમાસું તબક્કાવાર વિદાય લેશે. આ આગાહીને પગલે આજે વહેલી સવારથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે વહેલી સવારે 6 વાગ્યાથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સિવાય ડાંગ, નર્મદા અને નવસારી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા.

આજે આખા દિવસ દરમિયાન સૌથી વધુ પોણા 3 ઈંચ વરસાદ માત્ર સુરત શહેરમાં નોંધાયો છે. જે બાદ નવસારી જિલ્લાના ગણદેવીમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ખાસ વાત એ છે કે, બપોરે 2 થી 6 વાગ્યા સુધીના 4 કલાકમાં જ આ બન્ને તાલુકામાં આટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 42 મિ.મી (1.65 ઈંચ), આણંદના સોજીત્રામાં 35 મિ.મી (1.38 ઈંચ) વરસાદ પડ્યો છે.

સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન રાજ્યના 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન આણંદ જિલ્લાના સોજીત્રામાં 35 મિ.મી (1.38 ઈંચ), નવસારીના ગણદેવીમાં 34 મિ.મી (1.34 ઈંચ), નવસારીમાં 33 મિ.મી (1.30 ઈંચ), પંચમહાલના મોરવા હડફમાં 25 મિ.મી વરસાદ નોંધાયો છે.