Surat: સુરતમાં ભારે પવન સાથે 2 કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો, સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ફરી વળ્યા

વરાછા, કતારગામ, અડાજણ, અઠવા અને રાંદેર વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 25 Sep 2024 06:31 PM (IST)Updated: Wed, 25 Sep 2024 06:33 PM (IST)
surat-news-2-inch-rain-in-last-2-hours-across-the-city

Surat: ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. જો કે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે અત્યારે ગુજરાતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. ખાસ કરીને સુરત શહેરમાં મેઘરાજાએ બઘડાટી બોલાવતા 2 કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો હતો અને કેટલાક દિવસોથી ગરમી અને બફારાનો અનુભવ શહેરીજનો કરી રહ્યા હતા. આજે પણ સવારથી ભર તડકા વચ્ચે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.

છેલ્લા 2 કલાકમાં ભારે પવન સાથે તૂટી પડેલા 2 ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં શહેરના વરાછા, કતારગામ, અડાજણ, અઠવા અને રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદના પગલે શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં પણ પાણી ફરી વળ્યા હતા. સિવિલ હોસ્પિટલની લેબોરેટરી, OPD તેમજ પેસેજમાં પાણી ભરાતા તબીબો અને દર્દીઓ ઉપરાંત દર્દીઓના સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હાલ તો સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ દ્વારા પાણીના નીકાલની કામગીરી કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 30 સપ્ટેમ્બર સુધી ચોમાસાના અંતિમ રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8 થી 10 ઈંચ જેટલા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ ઝાપટા વરસી શકે છે.