Gujarat Rain Forecast: 19 થી 25 સપ્ટેમ્બર 2026 સુધી રાજ્યમાં કેવો રહેશે વરસાદ? જાણો IMD ની લેટેસ્ટ આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં 19 થી 25 સપ્ટેમ્બર 2026 સુધી હવામાન વિભાગ (IMD) દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો તમારા જિલ્લાના હવામાનની લેટેસ્ટ અપડેટ.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 19 Sep 2026 02:39 PM (IST)Updated: Sat, 19 Sep 2026 02:39 PM (IST)
gujarat-rain-forecast-today-and-tomorrow-imd-predicts-rainfall-across-districts-from-19-to-25-september-check-latest-weather-update

Gujarat Rain Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: ગુજરાતમાં ચોમાસાની સક્રિયતા યથાવત્ છે, ત્યારે હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં 19 થી 25 સપ્ટેમ્બર 2026 સુધીના સપ્તાહ માટે લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ચાલો જાણીએ આજે 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે.

આજે 19 સપ્ટેમ્બરે દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે 19 સપ્ટેમ્બરના રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ સાથે જ હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે 19 સપ્ટેમ્બરના રોજ કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ સહિત સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે.

મહેસાણા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ સહિતના દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મોટાભાગના સ્થળોએ વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટાં પણ પડી શકે છે.

20 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદી માહોલ

20 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.

21 સપ્ટેમ્બરે પણ અનેક વિસ્તારોમાં ઝાપટાં પડવાની આગાહી

21 સપ્ટેમ્બરના રોજ પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. વડોદરાથી વલસાડ સુધીના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદની સંભાવના છે.

22થી 25 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 22થી 25 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની કોઈ ચેતવણી નથી, જોકે સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.