ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી: 30 સપ્ટેમ્બરથી દસ્તાવેજ ચકાસણી શરૂ, 18,263 ઉમેદવારો ક્વોલિફાઈડ

ગુજરાત પોલીસ લોકરક્ષક કેડર (GPRB/202526/1)ની 12,733 જગ્યાઓ માટે 30 સપ્ટેમ્બરથી શરૂ થનાર દસ્તાવેજ ચકાસણીનું લિસ્ટ અને ચેકલિસ્ટ જાહેર. સંપૂર્ણ માહિતી અહીં જુઓ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sat, 12 Sep 2026 01:28 AM (IST)Updated: Sat, 12 Sep 2026 01:28 AM (IST)
gujarat-police-lokrakshak-bharti-document-verification-starts-sep-30

Gujarat Police Bharti 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતીને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. રાજ્યમાં પોલીસ વિભાગ તેમજ જેલ વિભાગના વિવિધ સંવર્ગો અંતર્ગત કુલ 12,733 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ જગ્યાઓ માટે અગાઉ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

18,263 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ

લેખિત પરીક્ષામાં સફળ રહેલા ઉમેદવારોમાંથી પ્રથમ તબક્કાની પ્રક્રિયા માટે કુલ 18,263 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન (દસ્તાવેજ ચકાસણી) માટે ક્વોલિફાઈડ જાહેર કરવામાં આવ્યા છે. ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટ મુજબ, આગામી તા. 30.09.2026થી આ દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવશે.

બીજા તબક્કાની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા

બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો દસ્તાવેજ ચકાસણી દરમિયાન કોઈ ઉમેદવારની ઘટ ઊભી થશે અથવા તો બેઠકો ખાલી રહેશે, તો નિયમ અનુસાર બીજા તબક્કામાં જે-તે કેટેગરીના મેરિટ ધરાવતા અન્ય ઉમેદવારોને પણ દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે.

ઉમેદવારો માટે જરૂરી સૂચનાઓ અને ચેકલિસ્ટ

દસ્તાવેજ ચકાસણીના આ મહત્વપૂર્ણ કાર્યક્રમ માટે ઉમેદવારોએ કયા-કયા પ્રમાણપત્રો અને કાગળો સાથે રાખવાના રહેશે, તેનું વિસ્તૃત ચેકલિસ્ટ બોર્ડની અધિકૃત વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, SEBC, SC અને ST કેટેગરીના ઉમેદવારોએ ખાસ લાવવાના થતા જાતિ અંગેના પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું અલગથી ચેકલિસ્ટ પણ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

તમામ સંબંધીત ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર વેબસાઇટ પરથી ચેકલિસ્ટ ડાઉનલોડ કરી લે અને પોતાના તમામ અસલ દસ્તાવેજો તથા તેની નકલો તૈયાર રાખે.