ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ: ડ્રોન અને CCTVથી રખાશે બાજ નજર

ગણેશોત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ યોજાઈ. ડ્રોન, CCTV અને સોશિયલ મીડિયા પર પોલીસની ખાસ નજર રહેશે. જાણો પોલીસની સુરક્ષા વ્યવસ્થાની વિગતો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 11 Sep 2026 09:45 PM (IST)Updated: Fri, 11 Sep 2026 09:46 PM (IST)
gujarat-police-ensures-peaceful-ganeshotsav-2026-security

Ganeshotsav 2026: રાજ્યમાં આગામી ગણેશોત્સવનો પાવન પર્વ શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં આજે તમામ પોલીસ કમિશનરશ્રી, રેન્જ વડાશ્રી તેમજ જિલ્લા પોલીસ વડાશ્રી સાથે એક મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં તહેવાર દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની જાળવણી માટેના એક્શન પ્લાનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત

ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન સુધી કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પગલાં લેવા તમામ જિલ્લા તથા શહેર પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત ગણેશ સ્થાપના તેમજ વિસર્જન દરમિયાન ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ ફોર્સ તૈનાત રાખવા તથા ભીડ નિયંત્રણ, ટ્રાફિક ડાયવર્ઝન અને રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા આદેશ આપવામાં આવ્યા છે.

naidunia_image

ડ્રોન, CCTV અને સોશિયલ મીડિયા પર કડક નજર

કાયદો અને વ્યવસ્થા સુચારુ રહે તે હેતુથી સ્થાનિક શાંતિ સમિતિઓ અને ગણેશ મંડળોના આયોજકો સાથે બેઠકો યોજી પરસ્પર સહયોગ સાધવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત, મુખ્ય વિસ્તારો અને સરઘસ માર્ગો પર CCTV કેમેરા તથા ડ્રોન દ્વારા સતત ચેકિંગ હાથ ધરવા રાજ્યના પોલીસ વડા દ્વારા નિર્દેશ કરાયા છે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની પણ સ્પષ્ટ સૂચનાઓ જારી કરવામાં આવી છે.

ઈમરજન્સી સેવાઓ સાથે સંકલન અને સ્ટેન્ડબાય ટીમ

સુરક્ષાના ભાગરૂપે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), ટીયર ગેસ અને રાયોટ કંટ્રોલ સાધનો સાથે પોલીસ ટુકડીઓ સ્ટેન્ડબાય રહેશે. વિસર્જન રૂટ પર કોઈ અવરોધ ન સર્જાય તે માટે ફાયર બ્રિગેડ, આરોગ્ય અને અન્ય ઇમરજન્સી સેવાઓ સાથે સંકલન સાધી જાહેર જનતાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા સૂચના અપાઈ છે.

naidunia_image

નાગરિકોને અપીલ

તહેવાર દરમિયાન રાજ્યમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તથા કાયદો-વ્યવસ્થા જાળવવામાં પોલીસ તંત્રને પૂરો સહકાર આપવા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે.