Gujarat Police: ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાકાંડ, માધુપુરાના 2200 કરોડ રૂપિયાના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈન, દુબઈથી પકડાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને તેમની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. હર્ષિત જૈન વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ પણ ઇશ્યુ કરવામાં આવી હતી, જેના આધારે દુબઈ પોલીસે તેને શોધીને ગુજરાત પોલીસને સોંપ્યો હતો. હર્ષિત જૈનની ધરપકડ બાદ આ કેસમાં નવા રહસ્યો ખૂલવાની શક્યતા છે.
સૌરભ અને અમિત સહિત અન્ય બુકીઓ પર કસાયો સકંજો
માધુપુરા સટ્ટાકાંડમાં હર્ષિત જૈનની ધરપકડ બાદ, હવે પોલીસનું ધ્યાન અન્ય મોટા માથાઓ પર છે. આ કેસના અન્ય મુખ્ય આરોપીઓ સૌરભ ચંદ્રાકર અને અમિત મજેઠિયા સહિત વિદેશમાં રહેતા અન્ય બુકીઓ પર SMCની ટીમ હવે સકંજો કસશે. આ બુકીઓ રાજકીય અને પોલીસ અધિકારીઓ સાથે પણ ગાઢ સંબંધો ધરાવતા હોવાનું મનાય છે, જેના કારણે અત્યાર સુધી તપાસ ધીમી રહી હતી. જોકે, હર્ષિતની ધરપકડ બાદ તપાસ વેગ પકડશે તેવી આશા છે.
શું હતો મામલો?
આ કૌભાંડનો પર્દાફાશ અમદાવાદ પીસીબીએ 28 માર્ચ, 2023ના રોજ કર્યો હતો. પોલીસને માહિતી મળી હતી કે શંકાસ્પદ કંપનીઓના બેંક ખાતાઓમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, જેનો ઉપયોગ ક્રિકેટ સટ્ટા માટે થાય છે. આ માહિતીના આધારે, માધુપુરાના સુમિલ કોમ્પ્લેક્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા. રેડ દરમિયાન પોલીસે 7 મોબાઇલ ફોન, 3 લેપટોપ, 536 ચેકબુક,538 ડેબિટ કાર્ડ, 14 પીઓએસ મશીન અને કરોડોના ટ્રાન્ઝેક્શનના પુરાવાઓ સહિત કુલ 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.