ગુજરાતના 9 પ્રસિદ્ધ યાત્રાધામોમાં નવરાત્રીની ધૂમ: દર્શન, આરતી અને ખાસ આયોજનોની સંપૂર્ણ વિગતો

ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન 9 પ્રસિદ્ધ યાત્રાધામોમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયા છે. ભક્તો માટે રોપ-વે, ગરબા અને ઘટસ્થાપન સહિતની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 11 Oct 2026 08:16 AM (IST)Updated: Sun, 11 Oct 2026 08:16 AM (IST)
gujarat-navratri-2026-temple-timings-ambaji-pavagadh-chotila-bahucharaji-khodal-dham
(Image source: AI Image)

Gujarat Navratri 2026: ગુજરાતમાં નવરાત્રી મહોત્સવની ધામધૂમથી શરુઆત થઈ ગઈ છે. ત્યારે રાજ્યના મુખ્ય યાત્રાધામોમાં દર્શન અને આરતીના સમયમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ સાથે જ ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટો દ્વારા રોપ-વેથી લઇને ગરબા અને ઘટસ્થાપનની ખાસ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે. અંબાજીમાં વિસાયંત્રની પૂજા, બહુચરાજીમાં 300કરોડના હારના દર્શન અને કચ્છના માતાના મઢ ખાતેની 'પતરી વિધિ'ની વિગતો એક જ જગ્યાએ નવરાત્રી દરમિયાન ગુજરાતના 9 પ્રસિદ્ધ મંદિરોમાં શું રહેશે ખાસ અને ક્યારે કરી શકાશે દર્શન, જાણો વિગતે.

પાવાગઢ: અખંડ જ્યોત ઘરે લઈ જવાની પરંપરા

મા મહાકાળીના ધામ પાવાગઢ ખાતે નવરાત્રિ સ્થાપના પહેલા માતાજીની અખંડ જ્યોત ઘરે લઈ જઈને પ્રક્ટાવવાની પૌરાણિક પરંપરા છે. ભકતોની ભારે ભીડને ધ્યાને રાખીને સામાન્ય દિવસોમાં 5 વાગ્યે શરુ થતી રોપ-વે સેવા નવરાત્રમાં સવારે 4 વાગ્યાથી જ ચાલુ કરી દેવાશે અને મોડી રાત સુધી ચાલશે,

દર્શનનો સમય: મંદિર સવારે 5:00 થી રાત્રે 8:30 સુધી ખુલ્લું રહેશે. જ્યારે 12, 14, 15, 16, 21, 22 અને 23 ઓક્ટોબરે તથા આઠમ-નોમના દિવસે મંદિર સવારે 4:00 થી 5:00 વાગ્યાના અરસામાં જ દર્શન માટે ખોલી દેવાશે.

અંબાજી: ચાચર ચોકમાં ખેલૈયાઓ બોલાવશે ગરબાની રમઝટ

ભારતના 51 શક્તિપીઠો પૈકી અંબાજી મંદિર મુખ્ય શક્તિપીઠ તરીકે પૂજાય છે. આરાસુરી અંબાજીના આ દિવ્ય મંદિરમાં દેવીની કોઈ મૂર્તિ કે છબી નથી. પરંતુ પવિત્ર શ્રી વિસાયંત્રની મુખ્ય દેવતા તરીકે પૂજા થાય છે. આ યંત્રને ખુલ્લી આંખે જોવાની કે ફોટોગ્રાફી કરવાની સખત મનાઈ છે. જ્યારે ગબ્બર પર્વત પર મા અંબાના ચરણચિહ્નો બિરાજમાન છે.

નવરાત્રીના પ્રથમ દિવસે સવારે 9:30 થી 10:30 વાગ્યા દરમિયાન વિધિવત ઘટસ્થાપન કરવામાં આવશે. એકમ અને ચોથ જેવી મહત્વની તિથિઓએ માતાજીને 3 થી 4 વખત વિશેષ પુષ્પ શણગાર ધરાવાશે, જ્યારે આઠમે સવારે 6 વાગ્યે ખાસ આરતી યોજાશે. માઈભક્તો માટે રાત્રે 9 થી 12 ચાચર ચોકમાં ગરબા રમાશે.

દર્શનનો સમય: સવારે 6:30 થી 11:30, બપોરે 12:30 થી 4:15 અને સાંજે 6:30 થી રાત્રે 9:00 વાગ્યા સુધી.

ભદ્રકાળી મંદિર: અમદાવાદના નગરદેવીના ધામમાં આખી રાત થશે દર્શન

અમદાવાદના ઐતિહાસિક ભદ્રકાળી મંદિરમાં 1885માં ગર્ભગૃહને ચાંદીનું છત્ર અને 1939માં સંગમરમરનું દ્વાર અર્પણ કરાયું હતું. પ્રથમ નોરતે સવારે 8:00 વાગ્યે ઘટસ્થાપન અને 9:30 કલાકે આરતી થશે. બાકીના દિવસોમાં સવારે 8:30 અને રાત્રે 8:30 વાગ્યે આરતી યોજાશે. 19 ઓક્ટોબરના રોજ આઠમનો હવન રાત્રે 12 વાગ્યાથી શરૂ થશે અને તે દિવસે ભક્તો માટે આખી રાત દર્શન ખુલ્લા રહેશે. ભદ્ર ચોકમાં ગરબા પણ રમાશે.

 માતાનો મઢ: દેશદેવી મા આશાપુરાનું પ્રાગટ્ય સ્થાન અને 'પતરીવિધિ'

કચ્છ જિલ્લાના લખપતમાં આવેલ માતાનો મઢ મા આશાપુરાનું પ્રાગટ્ય સ્થાન છે. 9મી સદીથી પૂજાતા દેશદેવીના દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ આવે છે. નવરાત્રીના અંતે રાજવી પરિવાર દ્વારા ખાસ વનસ્પતિ માતાજીના જમણા ખભે મૂકીને 'પતરીવિધિ' કરવામાં આવે છે. તે પાન વસ્ત્રમાં પડે તેને મા આશાપુરાનો પ્રસાદ ગણાય છે.

સમયપત્રક: દર્શન સવારે 5 થી રાત્રે 12 વાગ્યા સુધી. 10મીએ રાત્રે 9:30 વાગ્યે ઘટસ્થાપન, 18મીએ રાત્રે 9:30 વાગ્યે હવન તથા 19મીએ સવારે 7:00 વાગ્યે પતરીવિધિ યોજાશે.

ખોડલધામ: નોરતામાં મા ખોડિયારને ધરાવાશે દિવ્ય શણગાર

જેતપુર પાસે આવેલા કાગવડ ખોડલધામ ખાતે નવરાત્રિની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવશે. પ્રથમ નોરતે સતત 16મા વર્ષે કાગવડ ગામેથી મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજાશે. ત્યારબાદ મહાઆરતી અને ધ્વજારોહણ સાથે ઉત્સવનો પ્રારંભ થશે. નવરાત્રિ દરમિયાન મંદિરે દરરોજ યજ્ઞશાળામાં હવન થશે અને મા ખોડલને રોજ મનમોહક શણગાર સજાવાશે.

ઊંઝા: મા ઉમિયાના મંદિરે ભક્તો એકસાથે ઘૂમશે ગરબે

ઉત્તર ગુજરાતના ઉંઝામાં આવેલુ માતા ઉમિયાનું ધામ અંદાજે 1588 વર્ષ પુરાણું છે. નવરાત્રિમાં મંદિર પરિસરમાં માતાજીની માંડવીની સ્થાપના કરાય છે. જ્યાં લાખો ભક્તો એક સાથે ગરબે ઘૂમિને માતાની ભક્તિ કરે છે. 

દર્શનનો સમય: સવારે 6:00 થી બપોરે 12:00 અને સાંજે 4:00 થી રાત્રે 9:30 વાગ્યા સુધી.

ચોટીલા: ચામુંડા માતાજીના ડુંગરે જામશે મિની કુંભ મેળો

નવરાત્રિ દરમિયાન ચોટીલા ડુંગર અને હાઇવે પર મિની કુંભ જેવા દ્રશ્યો સર્જાય છે. માતાના ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે 605 પગથિયાં દંડવત્ત પ્રણામ કે આળોટતાં ચઢે છે. મંદિરમાં સાંજની આરતી બાદ કોઈને ડુંગર પર રોકાવવાની મંજૂરી નથી અને તમામ ભાવિકો તેમજ પૂજારીઓ નીચે આવી જાય છે.

પ્રથમ અને આઠમા નોરતે સવારે 4 કલાકે આરતી થશે, જ્યારે બાકીના દિવસોમાં સવારે 5 વાગ્યે આરતી યોજાશે. પગથિયાંનું દ્વાર આરતીના 30 મિનિટ અગાઉ ખુલી જશે. નવરાત્રિના અંતિમ દિવસે બપોરે 12:30 વાગ્યે બિંદુ હોમાયા બાદ યજ્ઞ પૂર્ણ થશે.

બહુચરાજી: આસો સુદ દશમે નવલખો હાર પહેરીને માતાની નગરયાત્રા નીકળશે,

મહેસાણાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરનું મુખ્ય આકર્ષણ વડોદરા સ્ટેટના કડી પ્રાંતના સુબા માનાજીરાવ ગાયકવાડે 1939માં ભેટ આપેલો 'નવલખો હાર' છે. 150થી વધુ હીરા અને 6 નીલમ જડિત આ હારની વર્તમાન કિંમત 300 કરોડ રૂપિયાથી પણ વધુ છે. સિક્યુરિટીના કારણોસર સરકારી ટ્રેઝરીમાં રખાતો આ હાર વર્ષમાં માત્ર એક જ વાર આસો સુદ દશમીએ પાલખી યાત્રા સમયે માતાજીને પહેરાવવામાં આવે છે.

દર્શનનો સમય: સવારે 5:00 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી સતત ચાલુ રહેશે.

હર્ષદ (ગાંધવી): કોયલા ડુંગર પર બિરાજતા મા હરસિદ્ધિ ભવાનીનો અનોખો મહીમા

દ્વારકા જિલ્લામાં અરબી સમુદ્ર કિનારે કોયલા ડુંગર પર મા હરસિદ્ધિનું પૌરાણિક મંદિર આવેલું છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રાજા વિક્રમાદિત્યના કુળદેવી એવા મા હરસિદ્ધિ આરતી વખતે સાક્ષાત હાજર રહે છે અને માતાજીની પધરામણી થતાં જ હિંચકો આપોઆપ હાલવા લાગે છે તેવી લોકવાયકા છે. વિક્રમાદિત્યની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને માતાજી રાત્રે ઉજ્જૈન અને દિવસે ગાંધવી રહે છે.

આરતી તથા હવન સમય: નવરાત્રિમાં સવારે 6:00 અને સાંજે 7:00 વાગ્યે આરતી થશે. જ્યારે 18મી તારીખે પવિત્ર હવનનું આયોજન છે.