Kirtidan Gadhvi Parampara Navratri: ગરબા રસિકો માટે રાહતના સમાચાર: 'પરંપરા નવરાત્રિ' રદ નહીં થાય, ખુલ્લા આકાશ નીચે ખેલૈયાઓ ઘૂમશે ગરબે

લોકગાયક કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો રીલ શેર કરીને સ્પષ્ટ જાહેરાત કરી છે કે, નવરાત્રિ મહોત્સવ હવે 12 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર (બીજા નોરતાથી દશેરા) સુધી એ જ સ્થળે ખુલ્લા ગ્રાઉન્ડમાં યોજાશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 10 Oct 2026 02:26 PM (IST)Updated: Sat, 10 Oct 2026 02:26 PM (IST)
kirtidan-gadhvi-parampara-navratri-dome-collapse-open-ground-ahmedabad
પરંપરા નવરાત્રિ

Kirtidan Gadhvi Parampara Navratri: અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મ ખાતે આયોજિત જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીના 'પરંપરા નવરાત્રિ' આયોજન સ્થળે અણધારી ઘટના સામે આવી છે. નવરાત્રિના આયોજન માટે બે મહિનાથી તૈયાર કરવામાં આવી રહેલો વિશાળ AC ડોમ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. જોકે, આ દુર્ઘટના વચ્ચે પણ આયોજકો અને ગરબા રસિકોનો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો નથી. લોકગાયક કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો રીલ શેર કરીને સ્પષ્ટ જાહેરાત કરી છે કે, નવરાત્રિ મહોત્સવ હવે 12 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર (બીજા નોરતાથી દશેરા) સુધી એ જ સ્થળે ખુલ્લા ગ્રાઉન્ડમાં યોજાશે.

'ડોમને નુકસાન થયું છે, તમારા કે મારા ઉત્સાહને નહીં' - કિર્તીદાન ગઢવી

ડોમ પડી જવાની દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર વહેતા થયેલા અહેવાલો વચ્ચે કિર્તીદાન ગઢવીએ ફેન્સ અને ખેલૈયાઓ માટે ખાસ રીલ બનાવીને સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "ગઈકાલ સાંજથી એવા સમાચાર મળી રહ્યા છે કે 'પરંપરા નવરાત્રિ'ના ડોમને નુકસાન થયું છે. એ વાત સાચી છે કે ડોમને નુકસાન જરૂર થયું છે, પરંતુ મારા, મારી ટીમ કે તમારામાંથી કોઈના ઉત્સાહને બિલકુલ નુકસાન થયું નથી."

તેમણે ખેલૈયાઓ અને ચાહકોના સતત મળી રહેલા પ્રેમ અને મેસેજ બદલ આભાર માનતા ઉમેર્યું કે, "તમારા પ્રેમ થકી જ અમારો ઉત્સાહ બમણો થઈ ગયો છે. હવે આપણે એસી ડોમને બદલે ખુલ્લા ગ્રાઉન્ડમાં નવરાત્રિની ઉજવણી કરીશું. બીજા નોરતાથી લઈને દશેરા સુધી એ જ સાઉન્ડ, એ જ લાઈટિંગ અને એ જ ભવ્યતા સાથે ગરબા રમીશું. આપણે સૌ પરંપરા સાથે છીએ, જય માતાજી."

9 ઓક્ટોબરની સાંજે સર્જાઈ હતી ઘટના

ઉલ્લેખનીય છે કે, 9 ઓક્ટોબરની સાંજે ગોપાલ ફાર્મ ખાતે 11 ઓક્ટોબરથી શરૂ થનારા ગરબા મહોત્સવની આખરી તૈયારીઓ ચાલી રહી હતી. આ આયોજન અંદાજે 9 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, જેમાં એકસાથે 12,000 લોકો ગરબા રમી અને નિહાળી શકે તેવી ક્ષમતા ગોઠવવામાં આવી હતી.

છેલ્લા બે મહિનાથી આ વિશાળ એસી ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો હતો અને લાઈટિંગ સહિતની તમામ સામગ્રી પણ ફીટ કરી દેવામાં આવી હતી. પરંતુ અચાનક આ આખો ડોમ ધરાશાયી થતા ત્યાં કામ કરી રહેલા કેટલાક શ્રમિકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને આયોજકોના જણાવ્યા મુજબ, જો આ ઘટના બે દિવસ પછી એટલે કે નવરાત્રિના મુખ્ય દિવસોમાં બની હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત.

પરંપરા અવિરત રહેશે

આ અણધારી આફત બાદ પણ આયોજકોએ તાત્કાલિક નિર્ણય લઈને ખુલ્લા ગ્રાઉન્ડમાં જ તમામ વ્યવસ્થાઓ પૂર્વવત કરવાનો નિર્ણય લીધો છે. 12 ઓક્ટોબરથી શરૂ થનારા આ આયોજનમાં સાઉન્ડ, સ્ટેજ અને સુરક્ષા વ્યવસ્થા પહેલાં જેવી જ રાખવામાં આવશે, જેથી ગરબા રસિકો માતાજીની ભક્તિ અને ગરબાનો આનંદ સુરક્ષિત વાતાવરણમાં માણી શકે.