Gujarat Monsoon Update: છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાતના કાંઠા સુધી પ્રવેશ્યા બાદ ચોમાસું અટકી ગયું હતુ. જેના કારણે ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રાહિમામ પોકારી રહેલા લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. એવામાં નૈઋત્યના ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો અને ખાસ કરીને ખેડૂતો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જે અંતર્ગત અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચોમાસું ફરીથી સક્રીય થયું છે.
પવનની ગતિ ઘટતાં વરસાદનું જોર વધશે
આ અંગે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યાર સુધી પવનની ગતિ વધારે હોવાને કારણે અને બંગાળની ખાડી તેમજ અરબ સાગરમાં કોઈ મજબૂત સિસ્ટમ ન હોવાથી ચોમાસું અટકી ગયું હતો. જો કે હાલ અરબી સમુદ્રની સાથે-સાથે બંગાળની ખાડીમાં પણ સક્રિયતા જોવા મળી રહી છે. જેના કારણે ચોમાસાનો પૂર્વ છેડો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર સુધી પહોંચી ગયો છે.
જો ગુજરાતની વાત કરીએ તો, આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી તેમજ સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. હવે પવનની ગત ઘટતાં ચોમાસું જેમ-જેમ આગળ વધશે, તેમ-તેમ વરસાદનું જોર પણ વધશે. જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે
આ સિઝનની મોટી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનવા જઈ રહી છે, જે ઓડિશા, ઝારખંડ અને મધ્ય પ્રદેશ થઈને ગુજરાત ઉપરથી પસાર થશે. જેના પરિણામે આગામી 5 થી 12 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના
અરબ સાગરમાં કરંટ વધવાના કારણે આગામી 5 દિવસ સુધી દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. આથી માછીમારનો દરિયો ના ખેડવાની તેમજ પ્રવાસીઓને દરિયા કિનારાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.
જૂન મહિનામાં 81 ટકા વરસાદની ચિંતાજનક ઘટ
આ વર્ષે ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદની ભારે અછત નોંધાઈ છે. આંકડા પ્રમાણે જોઈએ તો, છેલ્લા 10 વર્ષમાં ક્યારેય ના હોય, તેટલી ઘટ જૂન મહિનામાં જોવા મળી છે. જૂન-2026માં ગુજરાતમાં માત્ર 19 ટકા વરસાદ નોંધાયો છે, જેથી 81 ટકા વરસાદની ઘટ રહી તેમ કહી શકાય. એમાં પણ રાજ્યના માત્ર 17 ટકા વિસ્તારમાં જ વરસાદ પડ્યો છે, જ્યારે 83 ટકા વિસ્તારો હજુ પણ કોરા રહ્યા છે. આ વર્ષે કુલ વરસાદ 90 થી 92 ટકાની આસપાસ રહી શકે છે, જે ગત વર્ષના 109 ટકાની સરખામણીમાં ઓછો છે.
